વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૮મી વખત મન કી બાત કાર્યક્રમ મારફતે દેશના લોકો સાથે વાત કરી હતી. મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શનિવારના દિવસે સવા સો કરોડ દેશવાસિયોએ સર્જિકલ સ્ટ્રાઇકની યાદમાં પરાક્રમ પર્વની ઉજવણી કરી છે. મોદીએ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇક આતંકવાદની આડમાં ચલાવવામાં આવી રહેલા પ્રોક્સિવોરને જવાબ આપવાના ઇરાદાથી કરવામાં આવ્યા હતા અને આના લીધે ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ અપાયો હતો. મોદીએ કહ્યું હતું કે, પરાક્રમ પર્વ દરમિયાન દેશના જુદા જુદા સ્થળો ઉપર સેનાના એક્ઝીબિશન મુકવામાં આવ્યા હતા. યુવા પેઢી અમારી તાકાત અંગે જાણી શકે તે માટે આ પ્રકારના એક્ઝીબિશન મુકવામાં આવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, હવે આ બાબત નક્કી થઇ ચુકી છે કે, જે લોકો રાષ્ટ્રની શાંતિ અને પ્રગતિ આડે અડચણો ઉભી કરી રહ્યા છે તે લોકોને સેના જડબાતોડ જવાબ આપનાર છે. મોદીએ ઉમેર્યું હતું કે, અમારી નજર બીજાઓની જમીન ઉપર ક્યારે પણ રહી નથી. ૨૦મી સદીના બે વિશ્વ યુદ્ધમાં અમારા એક લાખથી વધારે સૈનિકોએ બલિદાન આપ્યું હતું. પીએમે કહ્યું હતું કે, ભારતનું નામ એવા દેશોમાં સામેલ છે જે દેશના સૈનિકો સૌથી વધુ સંખ્યામાં યુએન શાંતિ જાળવણી ઓપરેશનમાં રહ્યા છે. ૮મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવનાર એરપોટ્ર્સ ડેથી પહેલા દેશના એયર વોરિયર્સને યાદ કર્યા હતા. ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧ અને કારગિલ યુદ્ધની સાથે સાથે ઇમરજન્સીના સમયમાં પણ એરફોર્સના જવાનોએ ઉલ્લેખનીય સેવા આપી છે.
ભૂકંપ, પુર જેવી કુદરતી હોનારત વેળા હવાઈ દળે મહત્વની ભૂમિકા અદા કરી છે. મન કી બાત કાર્યક્રમ દરમિયાન મોદીએ બીજી ઓક્ટોબરના દિવસે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસના પ્રસંગે તેમને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, સરકાર બે વર્ષ સુધી મહાત્મા ગાંધીની ૧૫૦મી જ્યંતિ મનાવનાર છે જેની શરૂઆત બીજી ઓક્ટોબરથી થશે. આ ક્રમમાં મોદીએ લોકોએ ખાદીના વસ્ત્રો ખરીદવાની પણ અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ડોક્ટર માર્ટિન લુથરકિંગ જુનિયર અને નેલ્સન મંડેલા જેવી હસ્તીઓએ પણ ગાંધીના વિચારોથી પ્રેરણા મેળવી હતી. સ્વચ્છતા પ્રત્યે મહાત્મા ગાંધીના આગ્રહને યાદ કરીને વડાપ્રધાને કહ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ સફળતા મળી રહી છે. ગાંધીના વિચારોને યાદ કરતા મોદીએ કહ્યું હતું કે, આજે પણ દેશ માટે તેમના વિચારો એટલા જ પ્રેરક રહ્યા છે. મહાત્મા ગાંધીની સાથે સાથે મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને પણ યાદ કર્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીની વિશેષતા એ હતી કે, તેઓ બહારથી ખુબ જ વિનમ્ર હતા પરંતુ આંતરિકરીતે ચટ્ટાનની જેમ મજબૂત હતા. જય જવાન જય કિસાનનો નારો તેમના આજ વિરાટ વ્યક્તિત્વને દર્શાવે છે. મોદીએ કહ્યું હતું કે, દેશ ૩૧મી ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની જ્યંતિનું આયોજન કરે છે. આ ગાળા દરમિયાન છેલ્લા કેટલાક વર્ષથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે. મોદીએ અપીલ કરતા કહ્યું હતું કે, આ વર્ષે પણ આયોજન કરાયું છે. મોદીએ વિજ્યા દશમી, નવરાત્રિ અને દશેરા જેવા પર્વને લઇને લોકોને શુભકામનાઓ પાઠવી હતી. મન કી બાત કાર્યક્રમના સંદર્ભમાં દેશના લોકોએ જુદા જુદા અભિપ્રાય આપ્યા હતા. ૪૮મી વખત મન કી બાતમાં મોદીએ મુખ્યરીતે સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે સ્વચ્છતા મિશન, સેનાના પરાક્રમ, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કર્યા હતા. મોદીએ આ પ્રસંગે એમ પણ કહ્યું હતું કે, તેમની સરકાર જુદા જુદા શોર્ય દિવસને ઉજવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીના વિચારોને રજૂ કર્યા હતા. ખાદીનું વેચાણ છેલ્લા કેટલાક વર્ષથી વધ્યું છે.