પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જનરલ પરવેઝ મુશર્રફ એક અજ્ઞાત રોગથી પીડાઈ રહ્યા છે જેના કારણે તેઓ ઝડપથી કમજોર પડી રહ્યા છે. બીમારીના કારણે જ તેઓ દેશદ્રોહના મામલાનો સામનો કરવા માટે પાકિસ્તાન પરત નથી ફરી શકતા. ડોનના રિપોર્ટમાં આ દાવો મુશર્રફના નિકટતમ અને તેમની પાર્ટી ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એપીએમએલ)ના નેતા ડો. મોહમ્મદ અમજદે કર્યો છે.
મુશર્રફ (૭૫)ને બંધારણ સ્થગિત કરવાના મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ ઇલાજ કરાવવા માટે ૨૦૧૬માં પાકિસ્તાન છોડી દીધું હતું. હાલ તેઓ દુબઇમાં રહે છે. તેઓની ઉપર આ કેસ ૩ નવેમ્બર ૨૦૦૭થી ચાલી રહ્યો છે.
૨૦૧૬માં પાકિસ્તાન છોડ્યા બાદથી જ મુશર્રફને અપરાધિ જાહેર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્પેશિયલ કોર્ટ મુશર્રફના પ્રત્યર્પણની રીતો પર વિચાર કરી રહી છે.
ડો. અમજદના જણાવ્યા અનુસાર, મુશર્રફ એક નવી બીમારીથી પીડિત છે જેના ઇલાજ માટે તેઓને મહિનામાં ત્રણ વખત લંડન જવું પડે છે. તેઓ હાલ આ બીમારીનો ખુલાસો નથી કરી શકતા, પરંતુ કોર્ટમાં આની સાથે સંબંધિત જરૂરી દસ્તાવેજ રજૂ કરીને જાણકારી આપશે.