હાર્દિક પટેલની મોજમસ્તીનો બીજો કથિત વીડિયો વાયરલ

804
guj15112017-4.jpg

પાસના નેતા હાર્દિક પટેલના વાયરલ થયેલા વીડિયો બોંબ બાદ આજે હાર્દિક પટેલ અને તેના સાથીઓનો વધુ એક કથિત વીડિયો વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો બોટાદની ન્યાયયાત્રાના એક દિવસ પછીનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ કથિત વીડિયોમાં હાર્દિક પટેલ સહિત ત્રણ યુુવકો અને એક યુવતી દેખાઇ રહ્યા છે. હાર્દિક અને તેના સાથીઓની મોજમસ્તીના આ કથિત વીડિયોને લઇ પાટીદાર સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. એકબાજુ, હાર્દિક પટેલે આ વીડિયોથી કોઇ ફેર પડતો નહી હોવાની પ્રતિક્રિયા આપી હતી તો, બીજીબાજુ, દલિત નેતા જીગ્નેશ મેવાણી હાર્દિકના સમર્થનમાં આવ્યો હતો અને તેનો બચાવ કર્યો હતો. હાર્દિક પટેલના આ બીજા કથિત વીડિયોમાં હાર્દિક પટેલ અને એક યુવતી દ્રશ્યમાન થાય છે. વીડિયોમાં હાર્દિક પટેલના સહિતના યુવકોના માથે મુંડન કરેલું પણ દેખાય છે. આ કથિત વીડિયો બોટાદની ન્યાયયાત્રાના એક દિવસ પછીનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાર્દિક પટેલે આવા વીડિયોથી તેને કોઇ ફેર પડતો નથી અને હજુ વધુ આવા વીડિયો ભાજપ અને તેના માણસો દ્વારા મોર્ફ કરીને ફરતા કરાશે તેવો આક્ષેપ કર્યો હતો. તો બીજીબાજુ, દલિત નેતા જીગ્નેશ મેવાણી આજે પાસના નેતા હાર્દિક પટેલના 
સમર્થનમાં આવ્યો હતો અને તેનો બચાવ કર્યો હતો. મેવાણીએ જણાવ્યું હતું કે, ડિયર હાર્દિક પટેલ, તું ચિંતા ના કરતો. હું તારી સાથે છું. સેક્સ એ મૌલિક અધિકાર છે અને કોઇને પણ તારી અંગત જીવનમાં(પ્રાઇવસીમાં) દખલ કરવાનો અધિકાર નથી. તો કોંગ્રેસના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલ સહિતના નેતાઓ પણ હાર્દિક પટેલના બચાવમાં ઉતરી આવ્યા હતા અને આવા કથિત વીડિયો વાયરલ કરવા પાછળ ભાજપની ગંદી રાજનીતિ જવાબદાર હોવાના આરોપ લગાવ્યા હતા. હાર્દિક પટેલના કથિત વીડિયો અને તેના અનુસંધાનમાં રાજકીય પક્ષો અને આગેવાનોના એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપોને લઇને હાલ તો ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.