વિધાનસભા ચૂંટણી ન લડવા ભરતસિંહની આખરે ઘોષણા

735
guj20112017-6.jpg

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે જાહેરાત કરી હતી કે, તેઓ પોતે આ વખતની વિધાન સભા ચૂંટણી લડવાના નથી. તેમણે દાવો કરતા કહ્યું હતું કે, ભાજપ ડરી ગઇ છે, રઘવાઇ ગઇ છે અને તેથી હવાતિયા મારી રહી છે પરંતુ તા.૧૮મી ડિસેમ્બરે ગુજરાતની જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે.
પાસના નેતાઓએ કેટલી ટિકિટ માંગી છે એ મતલબના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પાસ તરફથી અધિકૃત રીતે કોઇપણ ટિકિટની માંગણી કરવામાં આવી નથી પરંતુ કોંગ્રેસ પક્ષ તેની રીતે ગુજરાતના હિતમાં અને વિકાસને ધ્યાનમાં લઇને યોગ્ય ઉમેદવારોને ટિકિટ ફાળવશે. ચૂંટણી નહી લડવા મુદ્દે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે આ અગાઉ ત્રણ મહિના પહેલા જ કહી દીધુ હતું કે, તેઓ આ વિધાનસભા ચૂંટણી લડવાના નથી તેનું કારણ એ છે કે, તેમની પર પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે મોટી જવાબદારી છે અને તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા, તેમનો પ્રચાર-પ્રસાર અને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી તેમના શિરે છે. ભરતસિંહ સોલંકી મોવડીમંડળથી નારાજ હોઇ દિલ્હીથી પરત આવી ગયા તે બાબતનું ખંડન કરતાં તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીને લઇ મહત્વની જવાબદારીઓ તેમની પર હોવાથી તેઓ વહેલા આવ્યા છે. 
તેમાં બીજું કોઇ કારણ નથી. કોંગ્રેસે તેમને ઘણું માન-સન્માન આપ્યું છે અને તેથી નારાજ થવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા કે, ભાજપ ડરી ગઇ છે અને રઘવાઇ ગઇ છે તેથી તા.૧૮મી ડિસેમ્બરે ગુજરાતની જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનવાની છે. 

Previous articleભાજપ સ્ટાર પ્રચારકોની પણ જાહેર કરાયેલી યાદી
Next articleઅનામતના મુદ્દે કોંગ્રેસ-પાસ નેતા વચ્ચે ઘણા મુદ્દે સહમતિ