ઠંડીમાં ઠુંઠવાતા સૌરાષ્ટ્ર-કચ્છઃ નલીયા ૯.૮ ડિગ્રી

1289
guj22112017-7.jpg

શિયાળામાં કચ્છનું કાશ્મિર બની જતાં નલિયામાં આજે રાત્રિના લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને સીંગલ ડિજીટ પર આવી ગયો છે. સીઝનમાં પહેલીવાર પારો સીંગલ ડિજીટ પર પહોંચ્યો છે. ગઈકાલે નોંધાયેલું ૧૩.૪ ડીગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન એક જ રાતમાં સાડા ત્રણ ડીગ્રી નીચે ઉતર્યું છે અને પારો ૯.૮ ડીગ્રી સેલ્સિયસ પર આવી ગયો છે. ૯.૮ ડીગ્રી સાથે નલિયાએ વધુ એકવાર ગુજરાતના સૌથી ઠંડા કેન્દ્રનું બિરૂદ જાળવી રાખ્યું છે.
બીજી તરફ, ૧૪ ડીગ્રી સાથે ભુજમાં પણ લોકોની દાઢ ટાઢથી કડકડી રહી છે. કંડલા પોર્ટ ખાતે ૧૫.૬ અને કંડલા એરપોર્ટ ખાતે ૧૪.૯ ડીગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જમ્મુ-કાશ્મિરની હિમવર્ષાના ઠંડા પવનોથી આગામી દિવસોમાં 
પારો વધુ નીચે ઉતરવાની શક્યતા છે. શીતલ હિમપવનો અને ઠારના મારથી હાલ સમગ્ર કચ્છમાં ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ટાઢપ્રેરિત સીઝનલ વેપાર ધંધા જેવા કે, ગરમ વસ્ત્રો, વસાણાં, શિયાળુ પાકના વ્યવસાયમાં તેજી વધવા માંડી છે. રાજ્યના પ્રથમ પાંચ સૌથી ઠંડા શહેરોમાં પહેલાં અને બીજા ક્રમે નલિયા-ભુજ તેમજ પાંચમા ક્રમે કંડલા એરપોર્ટ રહ્યા છે. કચ્છ સિવાય વલસાડમાં ૧૪.૧ ડીગ્રી અને રાજકોટમાં ૧૪.૭ ડીગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
 

Previous articleચૂંટણીમાં VVPAT મામલે વિવાદ થાય તો તેને પડકારી શકાય છે : સુપ્રીમ કોર્ટ
Next articleહાર્દિક પટેલની આજની પત્રકાર પરિષદ રદ, કોંગ્રેસને સમર્થન આપવા મુદ્દે સસ્પેન્સ