કોંગ્રેસની બીજી યાદીમાં ૯ નવા ચહેરા, પહેલી યાદીમાંથી ૪ નામનો ફેરફાર થયો

710
guj22112017-9.jpg

કોંગ્રેસ દ્વારા રવિવારે ૭૭ ઉમેદવારોની યાદી જાહેર કરાયા પછી એકાએક પાસ દ્વારા બંડ પોકારવામાં આવતા ગુજરાતભરમાં હલચલ મચી ગઇ હતી. સોમવારે આખો દિવસ બંને પક્ષો વચ્ચે મંત્રણાઓ ચાલુ રહી હતી. પરિણામે કેટલાક સ્થાનો પર ઉમેદવારો બદલાયા હતા. પાસની માગણી સામે કોંગ્રેસને ઝૂકવું પડયું છે અને કોંગ્રેસને ૩ પાટીદાર ઉમેદવારોનો સમાવેશ કરવો પડયો છે.
ફેરફાર એટલે સુધી થયો છે કે કોંગ્રેસના ટોચના નેતા અહેમદ પટેલના મત  વિસ્તાર ભરૂચમાં પણ ઉમેદવાર બદલવો પડયો છે. આવા સંજોગોમાં કોંગ્રેસને પ્રથમ તબક્કાની ૮૯ બેઠક પૈકી ૭૭ ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી બાકીના નવ ઉમેદવારોને યાદી નહીં, પણ સીધા મેન્ડેટ આપવાનું નક્કી કર્યુ હતું, જો કે છેલ્લી ઘડીએ કોંગ્રેસે નવ ઉમેદવારોની યાદી જાહેર કરવી દીધી અને હજુપણ ત્રણ ઉમેદવારના નામ બાકી રહ્યા છે. જો કે આ મુદ્દે કોંગ્રેસ સત્તાવાર સ્પષ્ટતા કરવા તૈયાર નથી. આમ છતા કોંગ્રેસની નવ બેઠકોના નામ મોડી રાત્રે સત્તાવારરીતે જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રથમ યાદીમાં જાહેર કરાયેલા સુરતની કામરેજ, ભરૂચ, જૂનાગઢ, વરાછા રોડ પરના ઉમેદવારો પૈકી કામરેજ, ભરૂચ અ્‌ને વરાછા રોડના ઉમેદવારોને પાસના દબાણને વશ થઇને કોંગ્રેસે બદલવા પડયા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોના નામ સામે બળવો પોકારાતા કોંગ્રેસે યાદી જાહેર કરવાનું પડતું મુકયું છે. હવે બાકીના ૧૨ ઉમેદવારો અને સુરતની વરાછા રોડની બેઠક પર નામ બદલવામાં આવ્યા છે. જો કે કોંગ્રેસે કોઇ સત્તાવાર યાદી જાહેર ન કરી નહોતી, પણ પાછલા બારણેથી ઉમેદવારોના નામ બહાર આવી ગયા હતા. આ ઉમેદવારોને મેન્ડેટ આપીને હવે તેઓ કાલે તા. ૨૧મી નવેમ્બરના ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ફોર્મ ભરે તેવી સ્થિતિ સર્જાય છે.

કામરેજ, વરાછારોડ, જૂનાગઢ, ભરૂચના ઉમેદવારો બદલવા પડયા
કોંગ્રેસે પાસની સામે ઝૂકીને ચાર ઉમેદવારોને બદલ્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા કામરેજના ઉમેદવાર નિલેશ કુંભાણીને બદલીને અશોક ગીરાવાલાને ટીકીટ ફાળવાય છે. જયારે વરાછા રોડ પ્રફુલ તોગડીયાની જગ્યાએ ધીરૂ  ગજેરાને, જૂનાગઢ અમિત ઠુંમરની જગ્યાએ ભીખા જોષી અને ભરૂચ કીરણ ઠાકોરની જગ્યાએ જયેશ પટેલને ટીકીટ આપવામાં આવી છે. પાસના કહેવાથી કામરેજ, વરાછા રોડ, ભરૂચ એમ ત્રણ બેઠકો પર ઉમેદવારો બદલવાની કોંગ્રેસને ફરજ પડી છે. જયારે ધોરાજી અને મોરબીના ઉમેદવાર બદલવાની વાત હતી, પણ તેને યથાવત રાખવામાં આવ્યા છે.

ટિકિટ વિવાદને લઈને ભરતસિંહ સોલંકીને દિલ્હીનું તેડું

કોંગ્રેસે અત્યાર સુધી પ્રથમ તબક્કાના ઉમેદવારની બે યાદી બહાર પાડી છે. કોંગ્રેસની યાદીને લઈને અનેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો  છે. ઉમેદવારો નામોની જાહેરાત બાદ કોંગ્રેસે પાંચ જેટલી બેઠકો પર ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. જેને લઈને વિવાદ ઉભો થયો છે. વિવાદને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહને દિલ્હી બોલાવવામાં આવ્યાછે.
ભરતસિંહ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસને લઈને પણ ચર્ચા કરે તેવી પણ શક્યતા છે. રાહુલ ગાંધી આગામી ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં ૨૪ નવેમ્બરે રાહુલ ગાંધી પોરબંદરની મુલાકાત લેશે. ૨૫ નવેમ્બરના રોજ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાત લેશે તેવી માહિતી મળી રહી છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી અત્યાર સુધી ચાર વખત ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. તેઓ અક્ષરધામ, દ્વારકા, જલારામ સહિતના મંદિરોની મુલાકાત લઈ ચુક્યા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે આજે કહ્યું હતું કે, ’રાજ્યમાં ક્યાંય કોઈ વિરોધ નથી. બીજેપીમાં આગ લાગી છે. કોંગ્રેસ ચૂંટણી જીતીને રહેશે. પદ્માવતી ફિલ્મના વિરોધને લઈને બીજેપીની ચાલ છે. 
આનાથી જાતિવાદ વધે છે અને મતોનું ધ્રુવિકરણ થાય છે. પરંતુ આવું થવા દેવામાં આવશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોઈ ભાઈ, ભત્રીજા વાદ નહીં ચાલે. જે જીતશે પાર્ટી તેને મોકો આપશે.’