વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ગ્રાન્ડ રોડ શો યોજાશે

1597
gandhi892017-2.jpg

ગુજરાતની મુલાકાતે આવનાર જાપાનના વડાપ્રધાન શિંઝો આબેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ગ્રાન્ડ રોડ શો યોજાશે. ૧૩મીએ બપોર પછી શિંઝો આબે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે જ્યાં વડાપ્રધાન મોદી તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યા પછી બંને દેશના વડાપ્રધાન બંને દેશની શક્તિ અને એકતાનો સંદેશો આપવા રોડ શો યોજશે. એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના અંદાજે ૮ કિલોમીટરના રૂટમાં એક લાખ જેટલા લોકો બંને દેશના વડાપ્રધાનનું અભિવાદન કરશે.
સુરત અને રાજકોટ બાદ અમદાવાદમાં નરેન્દ્ર મોદીનો ગ્રાન્ડ રોડ શો યોજાશે. આ વખતે તેમની સાથે જાપાનના વડાપ્રધાન પણ હશે. જાપાનના વડાપ્રધાન શિંઝો આબે પોતાની ગુજરાત મુલાકાતની શરૂઆત સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને અંજલિ આપીને કરશે. શિંઝો આબે અમદાવાદની હોટેલ હયાત ખાતે રોકાશે.વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક ઉદઘાટનો કરે તેવી પણ શકયતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીના સમયગાળા દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આચાર સંહિતા લાગુ થઈ શકે છે. માટે તે પહેલા ઉદ્દઘાટન અને યોજનાઓની જાહેરાતોના કાર્યક્રમો કરવા જરુરી છે.
   સૂત્રોનું કહેવું છે કે, રાજય સરકાર અને કેન્દ્ર સરકારે મળીને લગભગ ૧.૫૦ લાખ કરોડના પ્રોજેકટ્‌સ તૈયાર કર્યા છે અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા વડાપ્રધાન તેનાં ઉદ્ઘાટન કરી નાખશે. કેબિનેટ મીટિંગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક મંત્રીને અને સેક્રેટરીને તેવા તમામ ડેવલોપમેન્ટ પ્રોજેકટની તૈયારી કરવાના આદેશ આપ્યા છે જેના ઉદ્ઘાટન મુખ્યમંત્રીએ કરવાના છે.   
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરશે. આ સિવાય લગભગ ૨૫૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેકટ્‌સનો પણ પાયો નાખવામાં આવે તેવી સંભાવના છે. 
૧૩મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિંઝો આબે અને તેમના પત્ની માટે અમદાવાદની હોટલ અગાશીયે ખાતે લંચનું આયોજન કર્યું છે. અહીં તેમને ગુજરાતની પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવશે. આબે અને તેમના પત્ની સીદી સૈયદની જાળીની મુલાકાત લેશે. ગુજરાત સરકાર દ્વારા જાપાનના અન્ય મહેમાનો માટે ડેલિગેશન ડિનર અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાશે જેમાં પણ બંને વડાપ્રધાન હાજરી આપશે.૧૪મીએ વહેલી સવારે સાબરમતી રેલ્વે સ્ટેશનના કંપાઉન્ડમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત બંને મહાનુભાવોના હસ્તે થશે. તે પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં મારૂતિ સુઝુકીના ગુજરાત પ્લાન્ટનું ઉદઘાટન, જાપાન ઇન્ડસ્ટ્રીઅલ પાર્કનું ઉદઘાટન પણ થશે. ઉપરાંત શિંઝો આબેની સાથે આવેલા જાપાનના બિઝનેસ ડેલિગેશન દ્વારા ગુજરાત સરકાર સાથે વિવિધ પ્રોજેક્ટ માટે એમઓયુ પણ થશે.
૧૭મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે ગુજરાતને નર્મદા ડેમની ભેટ અર્પણ કરશે. કેવડીયા ખાતે નર્મદા મૈયાની આરતી, ડભોઇ ખાતે જાહેર સભા, અભિવાદન કાર્યક્રમ ઉપરાંત આ જ દિવસે સાંજે તેઓ અમરેલી પણ જશે. જ્યાં એપીએમસી અને ડેરી પ્લાન્ટના ઉદઘાટનના કાર્યક્રમમાં હાજરી આપશે.

Previous articleગાંધીનગરમાં મેલેરિયા સહિતના રોગચાળાએ માથુ ઉચકયુ
Next article અંબાજીનો પરંપરાગત મેળો સંપન્નઃ ર૬ લાખથી વધુ ભકતોએ મૉં ના દર્શનનો લાભ લીધો