પાટીદારોને અનામત આપવા માટે કોંગ્રેસ બિલ લાવશે : હાર્દિક પટેલ

649
guj23112017-6.jpg

ગુજરાત વિધાનસભાની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ચૂંટણી પહેલા કોંગ્રેસને આજે આખરે મોટી રાહત મળી હતી. કારણ કે પાટીદાર લીડર હાર્દિક પટેલે ભારે કશ્મકશ બાદ કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. જો કે હાર્દિકે કહ્યુ હતુ કે તેઓ કોઇ પાર્ટીમાં સામેલ થનાર નથી. હાર્દિકે જાહેરાત કરી હતી કે, વિધાનસભા ચૂંટણીમાં તેની લડાઈ ભાજપ સાથે જેથી પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે કોંગ્રેસને સમર્થન આપશે. પાસના સંયોજક હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસે અમારી તમામ માંગો સ્વીકારી લીધી છે. જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો અમારી તમામ માંગોને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરશે. કોંગ્રેસે અમારી પટેલ અનામતની માંગને સ્વીકારી લીધી છે. પાર્ટીએ વચન આપ્યું છે કે, તે વિધાનસભામાં બિનઅનામત સમુદાય માટે બિલ રજૂ કરશે. હાર્દિકે કહ્યું હતું કે, કેટલાક રાજ્યોમાં અનામતની મર્યાદાને ૪૯ ટકાથી વધુ કરવાને લઇને કોર્ટે પ્રતિબંધ મુકી દીધો છે. આવી સ્થિતિમાં કોઇપણ પ્રકારના બ્રેકથી બચવા માટે કોંગ્રેસ સરકાર બનતાની સાથે જ બિલ લાવશે. તેમણે ઉમેર્યું હતું કે, અનામતની ૪૯ ટકાની મર્યાદાને પાર કરવાની બાબત શક્ય છે અને કેટલાક રાજ્યોમાં આવું થયું પણ છે. કોંગ્રેસે પટેલ સમુદાયને ઓબીસીની જેમ જ અનામત આપવા માટે સંમત થઇ ગઇ છે. પાટીદારોને પણ અન્ય પછાત લોકોની જેમ જ લાભ મળશે. હાર્દિકે કહ્યું હતું કે, કોંગ્રેસ સરકાર પેનલ બનાવીને મંડળ કમિશનની ભલામણોના આધાર પર સર્વે કરાવશે અને બિનઅનામત પછાત લોકોને તેના આધાર પર લાભ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ અને તે પોતે સમજૂતિ પર કામ કરી ચુક્યા છે. એટલું જ નહીં હાર્દિકે કહ્યું હતું કે, કોંગ્રેસ અને પાસ વચ્ચે થયેલી સમજૂતિને લઇને કોઇપણ પ્રકારની કાયદાકીય અડચણો આવશે નહીં. હાર્દિકે દાવો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે કોઇ સીટની માંગ કરી નથી જેથી ટિકિટોને લઇને કોઇ વિવાદ નથી. હજુ અઢી વર્ષ સુધી કોઇ પાર્ટીમાં સામેલ થનાર નથી.

કોંગ્રેસને મત આપવા માટે કોઇને અમે અપીલ કરી નથી પરંતુ કોંગ્રેસના લોકો માટે કામ કરી રહ્યા છે. ભાજપે હમેશા પાટીદાર સમાજની સાથે ખરાબ વર્તન કર્યું છે. તેને કોંગ્રેસના એજન્ટ તરીકે ગણાવ્યો છે. પાટીદાર સમાજના અધિકારો માટે લડવાની બાબત અમારો અધિકાર છે. પાસના લોકોને ચૂંટણી લડવા માટે પણ પૈસાની ઓફર કરાઈ હતી. ભાજપે વોટ વિભાજિત કરવા માટે ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરીને અપક્ષોને ઉતાર્યા છે. ભાજપે પાટીદારોના મતને વિભાજિત કરવાના પ્રયાસમાં છે પરંતુ ભાજપ ચૂંટણી હારી ચુકી છે. હાર્દિકે દાવો કરતા કહ્યુ હતુ કે અમારા લોકોને ખરીદવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભાજપ હારને લઇને ભયભીત છે. અન્યાય સામે લડવાની બાબત સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યુ હતુ કે અમે ક્યારેય કોઇને કોંગ્રેસ પાર્ટીને મત આપવા માટે કહ્યુ નથી. પરંતુ તેઓ અમારા અધિકારની વાત કરી રહ્યા છે. જેથી લોકો પોતાની રીતે નિર્ણય લઇ શકે છે. તેમણે કહ્યુ હતુ કે પાસની અંદર ટિકિટની ફાળવણીને લઇને કોઇ વિવાદ નથી. હાર્દિકે જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પાર્ટીએ અનામતની  વાત સ્વીકારી છે. સત્તામાં આવ્યા બાદ ગુજરાત વિધાનસભામાં બિલ લાવવામાં આવશે. તેણે કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી અમારા સંબંધી નથી. જો કે ઓબીસી સર્વેની વાત કોંગ્રેસ પાર્ટીએ કરી હતી. પાટીદાર સમાજને શિક્ષણ અને રોજગારના અધિકારની જરૂર છે. આના કારણે સમગ્ર સમાજના લોકોને ફાયદો થનાર છે. કોંગ્રેસ પાર્ટી અને પાસના લોકો હાલમાં જ ટિકિટ ફાળવણીને લઇને સામ સામે આવી ગયા હતા. મારામારીની સ્થિતી પણ સર્જાઇ ગઇ હતી. પાટીદાર લીડર હાર્દિક પટેલે આજે પણ ભાજપ પર તેજાબી પ્રહારો કર્યા હતા.કોંગ્રેસ પાર્ટીના લોકો આ નિવેદનથી સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. પ્રાથમિક રીતે ભાજપ તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે ભાજપના લોકો પહેલાથી જ કહી રહ્યા છે કે હાર્દિક પાસે હવે કોંગ્રેસને ટેકો આપવા સિવાય કોઇ વિકલ્પ નથી. હાર્દિક હવે ખુલ્લી રીતે કોંગ્રેસને ટેકો આપતો નજરે પડશે.  હાર્દિક પટેલે એમ પણ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, પારીદાર અનામત આંદોલનને સમેટી લેવા માટે ૧૨૦૦ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર જ્યારે તે જેલમાં હતો ત્યારે કરવામાં આવી હતી.