કુંવરજી સામે આચારસંહિતા ભંગ બદલ આખરે ફરિયાદ

1101

રાજકોટના જસદણ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના રાષ્ટ્રીય નેતાઓએ જસદણમાં ધામા નાખ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ આજે જસદણ આવી પહોંચ્યા હતા અને સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિ જાણી હતી. બાદમાં મિડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ભાજપની સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી છે અને દેશના તમામ લોકો ભાજપના શાસનથી ત્રસ્ત છે. આમ પણ આ કોંગ્રેસની પરંપરાગત બેઠક હોવાથી જીત નિશ્ચિત છે. સરકારની નિષ્ફળતા અને પ્રજા સાથેના દ્રોહ બદલ જનતા જસદણની ચૂંટણીમાં ભાજપને જવાબ આપશે. બીજી તરફ ભાજપના કુંવરજી બાવળિયાએ એક ગ્રાન્ટેડ શાળા પર ઝંડા લગાવી કાર્યાલય ખોલતા તે સહિતના ત્રણેક મુદ્દે કોંગ્રેસે બાવળિયા વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. તો કોંગ્રેસ દ્વારા કરાયેલી આચારસંહિતાની ફરિયાદના બચાવમાં ભાજપ પણ બાવળિયાના સમર્થનમાં ઉતર્યું હતુ અને કોંગ્રેસના આ પ્રયાસને હતાશા ગણાવી હતી. દરમ્યાન આજે જસદણની મુલાકાતે આવેલા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોમાં આવેલા પરિણામ પરથી ચોક્કસ કહી શકાય કે, હાલ લોકોનું વલણ કોંગ્રેસ તરફી છે.

તેમજ ચાલુ વર્ષે પડેલા દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે. જેની અસર પણ આવનારા પરિણામમાં જોવા મળશે. ત્યારે જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થવી નિશ્ચિત છે. બીજીબાજુ, જસદણના અમરાપુર ગામની આશ્રમ શાળામાં ઝંડા લગાવી કુંવરજીનું કાર્યાલય ચાલે છે. એટલું જ નહી, ચૂંટણી જાહેર થયા બાદ પણ તેમણે સમાજ કલ્યાણના લાભાર્થીઓને ફોર્મ વિતરણ કર્યા હતા. તેમજ ભાજપના અન્ય નેતાઓએ પણ આવા ફોર્મનું વિતરણ કર્યું હતું. જેને લઈને આ તમામ મુદ્દે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ કુંવરજી બાવળિયા વિરૂધ્ધ કરી હતી. આ મામલે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, આશ્રમ શાળા ખાતે બાવળિયાનું કાયમી નિવાસ્થાન હોઇ ત્યાં કાર્યાલય ખોલતા અટકાવી શકાય નહીં. બાકીના મુદ્દે તપાસ કરી જરૂર જણાય તો કાર્યવાહી કરવાની ખાતરી પણ તેમણે આપી છે. જો કે, કોંગ્રેસની આચારસંહિતાની ફરિયાદને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું હતુ તો, ભાજપે કોંગ્રેસના આ પ્રયાસને બેબુનિયાદ અને હતાશાસમાન ગણાવ્યો હતો.

Previous article૬૦૪૧૫ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી
Next articleઠંડીએ હાડ ધ્રુજાવ્યા : નલીયા ઠંડુગાર, તાપમાન ૫.૮ ડિગ્રી