અમદાવાદ શહેર-ગ્રામ્યની પાંચ બેઠકો પર કોંગ્રેસને એનસીપી નડશે?

864
gandhi30112017-1.jpg

કોંગ્રેસ દ્વારા આ વખતે જનતાદળ (યુનાઇટેડ) સાથે ચૂંટણીમાં ગઠબંધન કરાયું છે. દલિત સમાજના અગ્રણી જિજ્ઞેશ મેવાણી વડગામથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગ લડી રહ્યા હોઇ તેમને કોંગ્રેસનું સમર્થન સાંપડ્યું છે. જોકે એનસીપી સાથે કોઇ સમજૂતી સધાઇ નથી. અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં એનસીપીના ત્રણ ઉમેદવારને ૧૩,૦૦૦થી વધારે મત મળ્યા હતા.
આ ચૂંટણીમાં એનસીપીના ત્રણ ઉમેદવાર અમદાવાદ શહેરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. વેજલપુર બેઠક પરથી હાજી યુસુફ પરમાર, નરોડા બેઠક પરથી નિકુલ તોમર અને જમાલપુર-ખાડિયા બેઠક પરથી હબીબ શેખ ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે. આમ તો અમદાવાદ ગ્રામ્યની સાણંદ અને ધોળકા બેઠક પરથી પણ એનસીપીના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
જોકે છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં એનસીપીએ વટવા, નિકોલ અને બાપુનગર બેઠક પરથી પોતાના ઉમેદવારને ઊભા રાખ્યા હતા. જે પૈકી પૂર્વ કોર્પોરેટર રત્નાબહેન વોરાને ૩૧૮પ મત મળ્યા હતા. આ બેઠક પરથી ભાજપના જગરૂપસિંહ રાજપૂતની કોંગ્રેસના હરીફ ઉમેદવાર ધીરુભાઇ પટેલ સામે માત્ર ર૬૦૩ મતની પાતળી સરસાઇથી જીત થઇ હતી.
બાપુનગરની બેઠક પરથી રત્નાબહેન વોરા ત્રીજા સ્થાને રહ્યાં હતાં. જ્યારે વટવા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર શૈલેશ ભરવાડને ૪૬૩૩ મત મળ્યા હતા. ભાજપના પ્રદીપસિંહ જાડેજાની વટવા બેઠક પરથી ૪૬,૯૪રની સરસાઇથી જીત થઇ હતી. એનસીપીના લિયાકત અન્સારીએ નિકોલ બેઠક પરથી ઝંપલાવીને પર૦ર મત પ્રાપ્ત કર્યા હતા. આ બેઠક પરથી ભાજપના જગદીશ પંચાલ પોતાના કોંગ્રેસના હરીફ ઉમેદવાર નરસિંહ ઘોરીથી ૪૮,૭૧ર મતની સરસાઇ મેળવીને વિજયી થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન થયું હોઇ એનસીપી દ્વારા રાજ્યભરમાં કુલ ૬૭ ઉમેદવાર ઊભા રખાયા છે.

Previous articleભાજપ કાળા ધનનો ઉપયોગ કરે છે :કોંગીનો સીધો આક્ષેપ
Next articleલેકાવાડા સ્થિત ઓમકાર સ્કૂલમાં ભાગવત ગીતા પર વ્યાખ્યન યોજાયુ