ખેડૂતોના પ્રશ્ન મુદ્દે હાર્દિક પટેલ ગાંધીનગરમાં સંમેલન યોજશે

848

દહેગામ તાલુકાના કૃષ્ણનગર કોઠી ગામ ખાતે કુમાર છાત્રાલયના ઉદઘાટન પ્રસંગે આવેલા પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે પત્રકારોને જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં ગાંધીનગર તાલુકામાં ખેડૂતોના રોજગારી, દેવામાફી, પાકવીમો અને ખાસ કરીને ટપક સિંચાઇ પધ્ધતિની સબસીડી અને લોન બંધ કરી દેવામાં આવી છે, તેના મુદ્દે એક વિશાળ સભાનું આયોજન કરાશે.

વધુમાં તેણે દહેગામ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કર્યુ નથી તે અંગે જણાવ્યુ હતુ કે જે વિસ્તારમાં સરકારને રાજકિય લાભ વધુ થાય છે, તેને જ અસરગ્રસ્ત તાલુકા જાહેર કર્યા છે. જે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કર્યા છે, ત્યાં હજી સુધી કોઇ સહાય પહોંચી નથી.

દહેગામ તાલુકાના કૃષ્ણનગર કોઠી ગામે આવેલા માયાદેવી તિર્થધામ ખાતે ગંગાબેન બહાદૂર ભાઇ અમીન કુમાર છાત્રાલયનો ઉદઘાટન સમારંભ મંગળવારે પૂર્વ કેન્દ્રિય મંત્રી શંકરસિંહ વાઘેલા તથા પાસના નેતા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

છાત્રાલયના ઉદઘાટન બાદ યોજાયેલા સમારંભમાં સંસ્થાના આદ્યસ્થાપક ઉષાબેન સનતકુમાર પંડિત, વિનુભાઇ બહાદુરભાઇ અમીન સહિતના આદ્યસ્થાપકો અને સંસ્થાના યોગદાન આપનારા દાતાઓ અને મહાનુભાવોનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત પાસના નેતા હાર્દિક પટેલે સંસ્થાની પ્રવૃતિઓની સરાહના કરી વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleવડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ એક જ પરિવારના ૪ સભ્યોના મોત
Next articleવિસ્મય શાહ, પત્ની સહિત ૬ લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા