ચૂંટણી પ્રચારમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ

610
bvn3122017-16.jpg

રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી લડનારા ઉમેદવારો માટે અખત્યાર કરેલા આકરા નિયમોને લઈને ચૂંટણી પ્રચારમાં મોટો બદલાવ આવ્યો છે. આજના ઉમેદવારો વર્ષો જુની પ્રચાર પરંપરાના બદલે ઓછો ખર્ચ સરળ પધ્ધતિ અને વધુમાં વધુ લોક પ્રચાર થાય તેવી ટેકનોલોજી તરફ વળ્યા છે.
ભાવનગરમાં એક સમય હતો કે ચૂંટણી લડનાર ઉમેદવાર અનેક પ્રકારના કિમીયાઓ થકી પોતાનો લોકોમાં પ્રચાર કરતા હતા. મોટાભાગની પધ્ધતિ ખર્ચાળ અને ચર્ચાસ્પદ સાબીત થતી. આમ છતાં ધારણા અનુસાર લોકોમાં પોતાનું વર્ચસ્વ જમાવી શકતા ન હતા. લોકચાહના સાથે પાવરફુલ પ્રભુત્વના પ્રભાવે ઉમેદવારો ચૂંટણીમાં વિજયી થતા હતા. સમય સાથે અનેક પરિવર્તનો આવ્યા.
 દેશના ચૂંટણી પંચે પણ મની અને મસલ્સ પાવર અંકુશમાં લાવવા માટે કડક નિયમો જાહેર કર્યા. આ નિયમો બાદ ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર મુશ્કેલ બન્યો પરંતુ જાહેર લોકજીવનમાં અને ખાસ કરીને મોબાઈલ-ઈન્ટરનેટની સવલતો મોટાભાગના લોકો માટે અનિવાર્ય બની રહી છે ત્યારે આ બાબત ઉમેદવારો માટે ઉંડા અંધારામાં આશાનું કિરણ બનીને બહાર આવી. ચોતરફ ચૂંટણી પંચ અને આઈ.બી.ની બાઝનઝર વચ્ચે પણ પંચના આદેશના ચુસ્ત પાલન સાથે ચૂંટણી પ્રચારમાં સોશ્યલ મિડીયાને સારી રીતે આવકારી ઉમેદવારો દ્વારા વધાવી લેવામાં આવ્યુ. આજનો ઉમેદવાર પોતાના પ્રચાર અર્થે ૯૦ ટકા સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરે છે. ઓછો ખર્ચ, સમયની બચત અને સમાજના છેક છેવાડાના વર્ગ સુધીના વ્યક્તિ સુધી આદરભાવપૂર્વક પહોંચવાનો સરળ માર્ગ એટલે સોશ્યલ મિડીયા ચૂંટણીના મુરતીયાઓ હાલ વોટસઅપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતની એપનો બહોળો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરી રહ્યાં છે તેમજ માઈક રીક્ષા, સાઈકલ પ્રચાર જેવા જુના માધ્યમો પણ જાળવી રાખ્યા છે.
તો બીજી તરફ ચૂંટણી કાર્યાલયો પર લોકોને એકઠા કરવા, ચા-પાણી, નાસ્તા ભોજનની અવિરત સેવાઓ પણ શરૂ રાખી છે તો રાત્રે મુખ્ય કાર્યાલયે ઉમેદવારો સ્વયં ઉપસ્થિત રહી, ઓળા-રોટલા, ભજીયા ભજી, પાર્ટી સહિત શિયાળુ રસાસ્વાદના વ્યંજનો સાથે મતદારોને આવવા આગ્રહ કરી રહ્યાં છે. આ ઉપરાંત જે તે સમાજમાં બહોળુ પ્રભુત્વ ધરાવતા યુવાનોને પણ ઉત્તમ પ્રલોભનો થકી પોતાનો બહોળો પ્રચાર કરવા માટે રાજી કર્યા છે. જિલ્લામાં એક સાધન સંપન્ન ઉમેદવારે પોતાના દરેક કાર્યાલય પર છેલ્લા વીસ દિવસથી ચોક્કસ રેન્જમાં પ્રાપ્ત થાય તેવું વાઈફાઈ શરૂ કર્યુ છે. આથી યુવા વર્ગમાં પડ્યો પાથર્યો અહીં જ પડ્યો રહે છે. આમ ઉમેદવારો યુક્તિ-પ્રયુક્તિ વડે પોતાના પ્રચારમાં વ્યસ્ત બન્યા છે.

પૈસો અને પ્રસિધ્ધિ બન્ને પ્રાપ્ત થાય છે
ભાવનગર શહેર અને તાલુકા લેવલ પર આવેલ હંગામી ચૂંટણી કાર્યાલય પર છેલ્લા અંક માસથી વહિવટી કાર્યભાર સંભાળતા બે ગ્રેજ્યુએટ યુવાનોએ પક્ષ કે પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઉમેદવારોએ અમારી સારી રીતે પરખ કરી બે માસના કરાર પર સારા પગાર સાથે જોબ આપી છે. સાથોસાથ એવું વચન પણ આપ્યું છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો પ્રત્યેક તબક્કે મદદરૂપ થવા સાથોસાથ પોતાની સાથે રાખશે અને ભવિષ્યમાં થનાર લાભાલાભથી પણ અવગત કર્યા છે. આથી મોબાઈલમાં સમય પસાર કરવાના બદલે ઉમેદવારની ઓફર સ્વીકારી પોતાના ખર્ચા પાની કાઢી રહ્યાં છીએ…!