શહેરમાં આજે પીએમ મોદીની જાહેરસભા : તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ

642
bvn4122017-6.jpg

ભાવનગર પૂર્વ તથા પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહેલ વિભાવરીબેન દવે તથા જીતુભાઈ વાઘાણીના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર જંગી સભાનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું છે.
વિધાનસભાની ચૂંટણી આડે હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યાં છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા શહેર-જિલ્લામાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર આદર્યો છે. રાજ્ય તથા પરપ્રાંતમાંથી દિગ્ગજ નેતાઓ તેમજ ફિલ્મ હસ્તીઓને મતદારોને રીઝવવા માટે મેદાને ઉતારવામાં રહ્યાં છે. કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતના અનેક શહેરો-તાલુકામાં પ્રચાર કરી રહ્યાં છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં વેગવંતો ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ પ્રચાર અન્વયે તા.૪ ડિસેમ્બરને સોમવારના રોજ શહેરના જવાહર મેદાન ખાતે ભાવનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનાર જીતુ વાઘાણી અને વિભાવરીબેન દવે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનની જાહેરસભા યોજાનાર હોય જેને શહેર-જિલ્લા ભાજપ ઉપરાંત તંત્ર આજરોજ રવિવારની જાહેર રજા હોવા છતા તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ સભામાં વિશેષ બાબત એ છે કે તાજેતરમાં પાલીતાણા ખાતે યોજાયેલ સભામાં મોદીએ ક્ષત્રિય-પાટીદારનો ચર્ચાસ્પદ મુદ્દો માનગઢ હત્યાકાંડની વાત છેડી હતી. જેને લઈને બન્ને સભામાં ભારે રોષ વ્યાપ્યો હતો. આ બાબતે પાટીદારો-ક્ષત્રિયો એક સાથે એક મંચ પર આવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સાથોસાથ એવી જાહેરાત પણ કરી હતી કે ભાવનગર ખાતે યોજાનાર મોદીની સભાનો વિરોધ કરીશું. આ અંગે ક્ષત્રિય સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાનના આગમન ટાણે વરતેજ નજીક આવેલ નાની ખોડીયાર પાસે કાળાવાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરીશું. તો બીજી તરફ પાટીદાર સમાજ દ્વારા વિરોધ અંગે યોજાનાર કાર્યક્રમ અંગે સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ ચોક્કસ સુત્રોના જણાવ્યા અનુસાર પાટીદાર સમાજ આશ્ચર્યજનક કાર્યક્રમ આપો પોતાનો વિરોધ નોંધાવશે તથા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજીત કાર્યક્રમને પણ સંપૂર્ણપણે ટેકો જાહેર કરી એ કાર્યક્રમમાં પાટીદાર યુવાનો જોડાશે. જો કે, વિવાદ કે વિરોધ પ્રદર્શન ન યોજાય તે માટે પોલીસ તંત્રને કડક સુચનાઓ આપવામાં આવી છે અને સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તથા સેનાના જવાનો દ્વારા બંદોબસ્ત અર્થે શહેરમાં ફલેગમાર્ચ યોજી રીહર્સલ કર્યું.

Previous articleયશવંતરાય નાટયગ્રુહ ખાતે મતદાન જાગ્રુતિ અર્થે વોટોત્સવ કાર્યક્રમ યોજાયો
Next articleગુસ્તાખી માફ