ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક આવી શકે છે. હાલમાં જ જસદણ પેટા ચૂંટણીમાં જીત મેળવનારા ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ભાજપમાં પ્રમોશન મળી શકે છે. કુંવરજી બાવળીયાને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી ચર્ચા શરૂ થઈ હતી. વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લોકસભાની ચૂંટણી લડાવી દિલ્હી મોકલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતુ.
પરંતુ આજે કુંવરજી બાવળિયાએ આ બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતુ અને કહ્યું હતુ કે આ માત્ર એક અફવા છે. પક્ષ કહેશે તેમ હું કરીશ. લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર વિજય પ્રાપ્ત કરશે.
ગુજરાતમાં આવનારા દિવસોમાં રાજકારણમાં નવા જૂના થવાના સંકેત મળી રહ્યા છે. સુત્રોની જાણકારી પ્રમાણે કુંવરજી બાવળીયાને ચાલુ માસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવે તેવી ચર્ચા હતી.
ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે. ગુજરાતમાં કોળી સમાજના મત મળે તો લોકસભાની ૧૦ બેઠકો પર જીત નિશ્ચિત મનાય છે. ૩૧ ડિસેમ્બરના પીએમ મોદી સાથે કુંવરજી બાવળીયાએ મુલાકાત કરી હતી. પીએમ મોદીએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પર કુંવરજી બાવળીયા સાથેની તસવીર શેર કરી હતી.


















