પ્રજ્ઞાલોકના અજવાળા વિશિષ્ટ પ્રદર્શન યોજાયું

992
bvn6122017-3.jpg

કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરતુ દ્વિ-દિવસીય “પ્રજ્ઞાલોકના અજવાળા” વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન તારીખ ચોથી અને પાંચમી ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું.
 પ્રદર્શનનાં બે દિવસ દરમિયાન ‘ઓખી’ વાવાઝોડાનાં ભય વચ્ચે ૪૦ થી વધુ શાળા-કૉલેજોનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો અને સેંકડોની  સંખ્યામાં નગરજનોએ મુલાકાત લઇ આંખ વિનાની દુનિયામાં ડોક્યું કરી, નેત્રહીનોનાં જીવન વિષે જાણ્યું હતું. આ પ્રસંગે અંધજન મંડળનાં માનદ્‌ મંત્રી લાભુભાઈ સોનાણી અને અંધશાળાનાં માનદ્‌ મંત્રી મહેશભાઈ પાઠકે સંયુક્તપણે જણાવ્યું હતું કે હવામાનમાં પલટો આવ્યો હોવા છતા પણ ભાવેણાની જનતાએ પોતાની સંવેદનશીલતા દાખવી હતી.  પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા વિવિધ ૧૫ ઝોન ઊભા કરી પ્રજ્ઞાચક્ષુ બાળકોને અપાતા સ્પેશ્યલ એજ્યુકેશનની વિવિધ પધ્ધતિઓ, સંગીતની તાલીમ, વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, કૉમ્પ્યૂટરનો ઉપયોગ, વિશિષ્ટ આધુનિક ઉપકરણોનો ઉપયોગ, ઇલેક્ટ્રિક મોટર રિવાઈન્ડીંગ, પ્રજ્ઞાચક્ષુ ગૃહિણીઓ માટેની હૉમ સાયન્સની પ્રવૃત્તિઓ, સંપૂર્ણ અંધ અને અલ્પ દૃષ્ટિ ધરાવતા વ્યક્તિઓની માનસિક સ્થિતિનો અનુભવ કરાવતો અલ્ટ્રા-વાયોલેટ ઝૉન, વિવિધ ગૃહ ઉદ્યોગોની બનાવટ અને રમત-ગમત જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ મુલાકાતીઓએ નિહાળી હતી. 
ઉપસ્થિત મુલાકાતીઓએ આપેલા પ્રતિભાવો અનુસાર તેઓ પ્રજ્ઞાચક્ષુ બાળકોને કૉમ્પ્યુટર અને એન્ડ્રોઇડ મોબાઈલ પર વર્ક કરતા જોઈ અચરજમાં પડ્યાં હતાં જ્યારે સાયન્સ ઝોનમાં પેટ્રોલ ફિલ્ટર મશીનની સંરચના, વિવિધ છોડવાને અલગ-અલગ પાણી દ્વારા ઝડપી ફલીફૂલિત કરવા જેવા એગ્રો પ્લાન્ટ, નદીના પૂરનાં પાણી કઈ રીતે કેનાલ દ્વારા વાળી… તળાવો ભરી શકાય છે? જેવા અલગ-અલગ પ્રયોગો જોઈ પ્રજ્ઞાચક્ષુઓના વિશેષ જ્ઞાનને સમજવા પ્રયત્ન કર્યો હતો. તો અન્ય ઝોનમાં પ્રજ્ઞાચક્ષુ ગૃહિણીઓએ બનાવેલ ક્રંચી નાનખટાઈ, ખજુર બિસ્કીટ અને મંચુરિયનનો સ્વાદ માણ્યો હતો. 
જે જોઈ સનેત્ર વ્યક્તિઓને પ્રેરણા મળી હતી. અત્રે નોંધવું ઘટે કે, વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે યોજાતા સમગ્ર કાર્યક્રમની શરૂઆત સેંકડોની  જનમેદની વચ્ચે તા.૦૩ ના રોજ ‘દિવ્ય દૃષ્ટિનો દરબાર’ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ‘પ્રજ્ઞાલોકના અજવાળા’ વિશિષ્ટ પ્રદશનનો પ્રારંભ આકાશવાણી રાજકોટનાં કેન્દ્ર નિયામક વસંતભાઈ જોશીએ દીપ પ્રગટાવી કર્યો હતો.

Previous articleહાર્દિક પટેલના બેફામ વાણી વિલાસ સામે ગારિયાધાર લોહાણા સમાજમાં ભારે રોષ
Next articleપોલીસ જવાનો દ્વારા મતદાન