પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગોળી મારી હત્યા

584

ભાજપ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજીએક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મોરબી અને માળિયા વચ્ચે ટ્રેનમાં ગોળી મારવામાં આવી. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેનમાં ઘૂસી ગોળી મારી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા.

સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન ગઈ કાલે રાતે લગભગ ૧.૩૫ વાગ્યે મોરબી જિલ્લાના માળિયા પાસે પહોંચી ત્યારે કટારિયા-સુરબારી સ્ટેશનો વચ્ચે એરકન્ડિશન્ડ કોચમાં ભાનુશાળીને ઠાર મારવામાં આવ્યા હતા. ભાનુશાળીને બે ગોળી મારવામાં આવી હતી. એક ગોળી એમની આંખમાં અને બીજી છાતીમાં વાગી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રેનમાં જ મુસાફરના સ્વાંગમાં રહેલા કોન્ટ્રાક્ટ કિલરે તેમની હત્યા કરી નાખી હતી. કોચમાં ફાયરિંગનો અવાજ ન આવે તે માટે ગન પર સાયલેન્સર લગાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર અમદવાદ ખાતે કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે જયંતિ ભાનુશાળીના કોચમાં રહેલા પવન મોર્ય નામના એક પેસેન્જરે ગોળીબાર અંગેની જાણકારી ટ્રેનના ટીટીઈ (ટ્રેન ટિકિટ એક્ઝામિનર)ને જાણ કરી હતી. સુરજબારી પાસે પવન મોર્ય ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેમણે જયંતિ ભાનુશાળીને લોહીથી લથપથ હાલતમાં જોયા હતા. આ મામલે માળિયા પોલીસે પવન મોર્યની પૂછપરછ કરી છે.  ટ્રેનને રાત્રે ૨ઃ૦૦ વાગ્યે માળિયા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી હતી. અહીં ૧૦૮ને બોલાવવામાં આવી હતી. માહિતી મળતા જ આરપીએફ અને જીઆરપીએફના કર્મીઓ કોચમાં પહોંચી ગયા હતા. હત્યાનો બનાવ જે ટ્રેનમાં બન્યો હતો તે સયાજીનગરી એક્સપ્રેસને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન લાવવામાં આવી હતી. ૐ૧ એસી કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો.

રેલવે પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કર્યો હતો. કોચમાં મહત્વના પુરાવા હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં કેટલા પેસેન્જર હતા અને ભાનુશાળી બેઠા હતા તે કોચમાં કયા કયા પેસેન્જર બેઠા હતા તેની તપાસ પોલીસે શરૂ કરી હતી.

જયંતી ભાનુશાળી સામે બળાત્કારનો આરોપ હતો. ભાનુશાળી ગુજરાત ભાજપના ઉપપ્રમુખ પણ હતા પણ બળાત્કારનો આરોપ મૂકાયા બાદ એમને પદ પરથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. ભાનુશાળી ૨૦૦૭માં અબડાસામાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

અગાઉ જયંતિ ભાનુશાલીએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી, ૭ જુલાઈ ૨૦૧૮એ જયંતિ ભાનુશાલીએ પોતાના મર્ડરની આશંકા વ્યક્ત કરી હતી. ભાનશાળીએ ૈંય્ને પત્ર લખીને પોતાના મર્ડર અંગે શંકા વ્યક્ત કરી હતી.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં અત્યંત કથળી

ગઇ : શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે પણ જયંતી ભાનુશાળીના મૃત્યુ અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. શક્તિસિંહે કહ્યું કે, જયંતી ભાનુશાળી સાથે વિધાનસભામાં એક સાથી સભ્ય તરીકે અને ત્યારબાદ અબડાસાના ધારાસભ્ય તરીકેના પ્રતિનિધિત્વના કાળ દરમિયાન એક પૂર્વ ધારાસભ્ય તરીકે કામ કરવાનો અવસર મળ્યો હતો. જયંતી ભાનુશાળીની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે અતિ દુઃખદ અને સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં અત્યંત કથળી ગઈ છે.

પોલીસ તંત્રમાં ખુબ જગ્યાઓ ખાલી છે અને ફિક્સ પગાર જેવી ભાજપ સરકારની નીતિના કારણે સરકારી તંત્રમાં એક માયુસી અને શિથિલતા પેદા થઈ છે.

આ જ રાજ્યમાં હરેન પંડ્યાની હત્યા થઈ હતી : પરેશ ધાનાણી

ભારતીય જનતા પાર્ટીના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે વિપક્ષે આક્રમક પ્રતિક્રિયા આપતા તેમની રાજકીય હત્યા કરાવવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે વિપક્ષે કચ્છમાં બહુ ગાજેલા નલિયા સેક્સકાંડ સાથે પણ જયંતિ ભાનુશાળીની હત્યાના તાર જોડ્યા છે. વિપક્ષના નેતાઓએ આ મામલે યોગ્ય તપાસ કરીને સત્યને બહાર લાવવાની માંગણી કરી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પ્રતિક્રિયા આપતા આ મામલાને હરેન પંડ્યાની હત્યા સાથે જોડ્યો હતો.

આ ઉપરાંત તેમણે નલિયાકાંડનો પણ આડકતરો ઉલ્લેખ કર્યો હતો. પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, “ભાજપના નેતાઓએ કચ્છની મીઠી ખારેક ખાધી હતી, આ વાતને છૂપાવવા માટે જયંતિ ભાનુશાળીનો ભોગ લેવાયો છે. આ એ જ રાજ્ય છે જ્યાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી.” નોંધનીય છે કે કચ્છમાં બહુ ગાજેલા નલિયાકાંડ વખતે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કચ્છના એક બીજેપી નેતા કચ્છની મહેમાનગતિ માણવા આવતા બીજેપીના નેતાઓને છોકરીઓ પૂરો પાડતા હતા. આ મામલે જે તે સમયે ખૂબ હોબાળો થયો હતો.

ભાનુશાળી હત્યાઃ ઉચ્ચતર તપાસનો રૂપાણીનો આદેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જયંતી ભાનુશાળીની હત્યાને દુઃખદ ગણાવી હતી. અમદાવાદમાં પ્રચાર માધ્યમો સમક્ષ કહ્યું હતું કે, આ ઘટનાના મૂળ સુધી જઈ ત્વરિત કાર્યવાહી કરીને ગુનેગાર સામે કડકમાં કડક પગલાં લેવા રેલવે પોલીસ, આર પી એફ અને જિલ્લા પોલીસને રાજ્ય સરકારે સૂચના આપી છે.

મારા પતિની હત્યા છબિલ પટેલે જ કરાવી છે : ભાનુશાળીના પત્ની

જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. જયંતિ ભાનુશાલીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું કે, મારા પતિની હત્યા કરાવવા પાછળ છબિલ પટેલનો હાથ છે.

છબિલ પટેલ જ મારા પતિની હત્યા કરાવી છે. તેણે જ ષડયંત્ર ગોઠવ્યું છે. મારા પતિની હત્યા કરાવીને તે અમેરિકા જતો રહ્યો છે. એમની જ ગેંગે હત્યા કરાવી છે. મારા પતિને મારનાર છબિલ પટેલ જ છે. સોપારી આપીને જતો રહ્યો છે. મારા પતિ ચાર પાંચ દિવસથી કચ્છ ગયા હતા. આવું થઈ જશે તેની ખબર ન હતી એટલે તેઓ બિન્દાસ ફરતા હતા.

જયંતિ ભાનુશાળીના ભાઈએ કહ્યુ કે મારા ભાઈની રાજકીય હત્યા કરવામાં આવી છે. મારા ભાઈનો કોઈ દુશ્મન નથી. મારા ભાઈ એચ-૧માં હતા, તો પણ કેવી રીતે હત્યા થઈ. મારા ભાઈની રાજકીય હત્યા છે. મારા ભાઈ ઊંઘમાં હતા ત્યારે ફાયરિંગ કર્યું હતું.

તેઓ અમદાવાદ આવી રહ્યા હતા. ટ્રેનમાં છબીલના માણસો પાછળ હતા. પોલીસ કંઈ નહીં કરે તો અમારા ઘર પર જોખમ છે. અમારું ખાનદાન ખતમ કરવા તે બેઠો છે. તેમને કોઈ સજા નહીં થાય તો અમને જે પણ થશે તેની જવાબદારી પોલીસની રહેશે.

Previous articleઉકાઇ ડેમમાંથી સિંચાઈના પાણી માટે ખેડૂતોએ મહારેલી યોજી
Next articleમુંબઇ : બેસ્ટની હડતાળથી લોકો અટવાયા