રાહુલ ગાંધીને મારા પર ભરોસો, જોઈએ તે જવાબદારી આપશે : અલ્પેશ ઠાકોર

1151

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ ઠાકોર સેનાના સ્થાપક અલ્પેશ ઠાકોરે ગુરુવારે નવી દિલ્હી ખાતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિત અને કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કહલ અંગે વાતચીત થઈ હતી. અલ્પેશ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમની વાત સાંભળી છે, તેમને મને જ્યાં પણ કામ કરવું હોય ત્યાં કરવાની ઓફર પણ આપી છે. સાથે જ અલ્પેશ ઠાકોરે એવું જણાવ્યું હતું કે પક્ષમાં સાચી વાત કરવી તેને ગદ્દારી ન કહી શકાય. “આજની બેઠકમાં મેં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે રાહુલ ગાંધીને વાકેફ કરાવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં કેવી રીતે ચૂંટણી જીતી શકાય, કેવી રીતે તૈયારી કરી શકાય, પાર્ટીને કેવી રીતે મજબૂત કરી શકાય તે તમામ વાતો અંગે વાતચીત થઈ હતી. મેં રાહુલ ગાંધી પાસે માંગણી કરી હતી કે મને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવે. હાલ તેમને મને એવું કહ્યું છે કે હું બિહારની જવાબદારી ચાલુ રાખું. આગામી મુલાકાતમાં કંઈક વિચારીશું તેવું તેમણે કહ્યું છે. હું તેઓ પરત ફરશે ત્યારે ફરીથી તેમની સાથે મુલાકાત કરીશ.”

અલ્પેશે જણાવ્યું કે, “મને બીજેપી તરફથી કોઈ ઓફર મળી નથી. બીજેપીના કોઈ નેતાએ મારી સાથે ચર્ચા પણ નથી કરી.

હું ક્યાંક નથી જઈ રહ્યો. પરંતુ પાર્ટીને વધારે ફાયદો થાય, તેમજ પાર્ટીનું સંગઠન મજબૂત થાય તે માટે આગેવાનોએ કાર્યકરો વતી બોલવું પડે છે. નેતાગીરી સામે સાચી વાત રજૂ કરવાને બળવો ન કહી શકાય. જો આવું જ થાય તો લોકો સાચી વાત બોલવાનું જ બંધ કરી દે.”

અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, “રાહુલ ગાંધીને મારા પર ખૂબ ભરોશો છે. તેમણે મને કહ્યું છે કે અલ્પેશ તું કહીશ તેવી જવાબદારી હું તને આપીશ. રાજકારણમાં ક્યારેય આવું નથી થતું કે તમે ઇચ્છો તેની જવાબદારી તમને મળે. રાહુલ ગાંધીએ આવી વાત કરી તે મારા માટે ખૂબ મોટી વાત છે. તેમણે મને કહ્યું છે કે તારે જ્યાં કામ કરવું હોય તે વિચારી લે, તું જ્યાં પણ કામ કરીશ સારું જ કરીશ.”

 

Previous articleહિરાસર નજીક ૨૫૦૦ એકર વિસ્તારમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે
Next article૧૨ થી ૨૦ જાન્યુ. સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ પતંગ નહિ ચગાવી શકાય