ભાજપાના રાજમાં ગુજરાત કરફ્યુમુક્ત : અમિત શાહ

744
guj8122017-4.jpg

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર્‌ર્થે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચાર જાહેરસભાઓ સંબોધી હતી. કડાણાથી પ્રારંભ થયેલી તેમની પ્રચાર યાત્રા ખેરાલુ પહોંચી હતી અને ખેરાલુ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જંગી બહુમતિથી વિજય બનાવવા તેમણે અપીલ કરી હતી. અમિત શાહે ખેરાલુ ખાતે જાહેરસભાને સંબોધતા કહ્યું હતુ ંકે, ૯મી  અને ૧૪મી ડિસેમ્બરના રોજ ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકોની ચૂંટણી પુરી થશે. ૧૮મી ડિસેમ્બરે મતગણતરી થશે અને ૧૫૦ બેઠકો સાથે નવી સરકાર ૨૦મી ડિસેમ્બરે કાર્યરત થશે. ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસના સત્તાના સપના આવે છે. કોંગ્રેસ જુઠ્ઠાણાઓ ફેલાવીને સમાજમાં ભ્રમ ફેલાવે છે. મતગણતરીના દિવસે બપોરે ૧૨ વાગે પરિણામ સ્પષ્ટ થઇ જશે. ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ અને ૨૦૧૪ની જેમ ૨૦૧૭માં પણ જનતા જનાર્દન ભાજપને જીત અપાવીને કોંગ્રેસને પરાસ્ત કરશે. અમિત શાહે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા કોંગ્રેસને પરિણામ સુધી રાહ જોવાની પળોમાંથી મુક્તિ  અપાવી દીધી છે. ઉત્તરપ્રદેશની જનતાએ આપેલા પરિણામો દેશની જનતાના મૂળ બતાવે છે. રાહુલ ગાંધી જ્યાં સંસદ સભ્ય છે તે અમેઠી મ્યુનિસિપલમાં ભાજપ જીતી ગયું છે. રાહુલ ગાંધી પોતાના ક્ષેત્રમાં ગયા હોત તો કદાચ તેમની આબરુ બચી ગઈ હોત. હવેલી લેતા ઝુંપડી ખોઇ તેવા હાલ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના થયા છે. અમિત શાહે કોંગ્રેસને પ્રશ્ન કર્યો હતો કે, ગુજરાતમાં કયા મુદ્દા ઉપર ચૂંટણી લડવા માંગે છે તે સ્પષ્ટ કરવામાં આવે તે જરૂરી છે. કોંગ્રેસની નીતિ જાતિઓ વચ્ચે સંઘર્ષ કરાવવાની રહી છે. ગુજરાતને અશાંતિની આગમાં હોમવાની રહી છે. કર્ફ્યુગ્રસ્ત ગુજરાત બનાવવાની રહી છે પરંતુ ભાજપ કોંગ્રેસના મનસુબા પાર પાડવા દેશે નહીં. ગુજરાતની ૬.૫ કરોડ જનતાના તેમના ઉપર આશીર્વાદ છે. અમિત શાહે કહ્યું હતુ ંકે, ભાજપની મોદીના નેતૃત્વમાં સરકાર બની ત્યારબાદથી તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસ કામગીરી થઇ રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને બે દિવસમાં જ મંજુરી આપવામાં આવી હતી. ૧૭મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે તેમણે નર્મદા યોજનાનું રાષ્ટ્રને લોકાર્પણ કરી વર્ષો જુના સપનાને સાકાર કર્યા છે. ૮૦૦૦ કરોડની ક્રૂડ રોયલ્ટીની પણ તાકિદે ચુકવણી કરી હતી. એમ્સ, બુલેટટ્રેન, નેશનલ હાઈવેના અનેક પ્રોજેક્ટો, નવી ૩૩ ટ્રેન સહિતના અનેક ગુજરાતલક્ષી નિર્ણયો કરાયા છે. અમિત શાહ આવતીકાલે પણ ચાર રેલીઓ સંબોધન કરશે. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારના કહેવા મુજબ અમિત શાહ સવારે ૧૧ વાગે ડિસામાં, એક વાગે કલોલમાં, ત્રણ વાગે મહુધામાં અને પાંચ વાગે ધોળકામાં કાર્યક્રમ કરશે.

Previous articleચૂંટણી પ્રચાર શાંત : ઉમેદવારો દિવસભર પ્રચારમાં વ્યસ્ત રહ્યાં
Next articleપ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો અંત