વાળુકડ ગામે પીકઅપ-બાઈક વચ્ચે અકસ્માત : બાઈક ચાલકનું મોત

1163
bvn11122017-8.jpg

વાળુકડ-સિદસર રોડ પર વાળુકડ ગામના પાદરમાં મહિન્દ્રા પીકઅપ તથા બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વાળુકડ ગામના આશાસ્પદ પટેલ યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
સમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, ઘોઘા તાબેના વાળુકડ ગામે રહેતા અને ખેતી સાથે સંકળાયેલ પટેલ જીવરાજભાઈ ઉકાભાઈ ધામેલીયાનો યુવાન પુત્ર દિવ્યેશ ઉર્ફે દિપેશ ઉ.વ.ર૮, ભાવનગર, નિર્મળનગર હિરાબજારમાં એસોટર્સ તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આ યુવાન આજરોજ બપોરના સમયે ભાવનગરથી પોતાની હિરો સાઈન બાઈક નં.જીજે૪સીએલ ૬૪૩૪ લઈને વાળુકડ પોતાના ઘર તરફ આવી રહ્યો હતો તે વેળાએ વાળુકડ ગામના પાદરમાં આવેલ સ્મશાન પાસે વાળુકડથી આવી રહેલ અમુલ દુધની હેરાફેરી કરતું મહિન્દ્રા પીકઅપ નં.જીજે૪એટી ૬૭૪૬ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી બાઈક સાથે અથડાવતા ગંભીર રીતે ઘવાયેલ દિવ્યેશને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે દમ તોડ્યો હતો. આ અકસ્માત સર્જીને પીકઅપ ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડી નાસી છુટ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. આ અંગે ઘોઘા પોલીસને જાણ કરતા પોલીસે બનાવ સ્થળે દોડી જઈ મૃતક યુવાનના શબને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleભાવેણાની ભાગોળે યાયાવર પક્ષીઓનું આગમન
Next articleગૌરીશંકર સરોવરમાં કચરાના ઢગ સાથે ગંદકીનો ઉપદ્રવ