૧૯૦ કટ્ટા શંકાસ્પદ ઘંઉનો જથ્થો પકડાયો

532

ગાંધીનગર તાલુકાના આલમપુર ગામેથી ટ્રકમાં ભરેલા ૧૯૦ કટ્ટા શંકાસ્પદ ઘઊંનો જથ્થો પોલીસે જપ્ત કર્યા છે. ચિલોડા પોલીસે શંકાસ્પદ ઘઊં અંગે પુરવઠા વિભાગને જાણ કરી છે. જેને પગલે હવે પુરવઠા વિભાગે ટ્રકમાં રહેલાં ઘઊં રેશનિંગના છે કે નહીં તે દિશામાં તપાસ આદરી છે. આ રીતે ટ્રકમાંથી ઘંઉનો જથ્થો પકડાતા હાલ આ બાબતે ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની વિગતો પ્રમાણે આલમપુર ગામે માહી એગ્રો ઈન્ડસ્ટ્રીમાં ઘઊં ભરેલો ટ્રક પડેલો હોવાની બાતમી મળતા ચિલોડા પોલીસને મળી હતી. જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘઊંના જથ્થા અંગે તપાસ કરીને બીલની માંગણી કરી હતી.

જોકે, માહી એગ્રો ઈન્ડસ્ટ્રી ખાતે હાજર લોકોએ બીલ રજૂ ન કરતાં પોલીસે ઘઊંનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે ૧૯૦ કટ્ટા ઘઊં સાથે ટ્રક પોલીસ સ્ટેશન લાવીને આ અંગે પુરવઠા વિભાગના મામલતદારને જાણ કરી છે. જેને પગલે હવે પુરવઠા વિભાગ ઘઊંની તપાસ કરશે, જો તપાસમાં ઘઊં રેશનિંગના હશે તો પુરવઠા વિભાગ દ્વારા જથ્થો સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આલમપુર ગામેથી ટ્રકમાં ભરેલા ૧૯૦ કટ્ટા શંકાસ્પદ ઘઊંનો જથ્થો પોલીસે જપ્ત કરી લેતા આ વિસ્તારમાં રહેતા લોકોમાં એવી ચર્ચા વહેતી થઈ ગઈ છે કે શું આ રીતે જ ઘંઉનો જથ્થો દર વખતે બારોબાર વગે થઈ જતો હશે?

Previous articleલોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી બદલાશે
Next articleરેસ્ટોરન્ટમાં ફ્રોઝન ફૂડને ગરમ કરી ગ્રાહકોને પીરસાતું હોવાનો ઘટસ્ફોટ