ચોટીલામાં કુંવરજીનું કાઠું દર્શાવતું મહાસંમેલન, લોકસભા ચૂંટણીને લઈ શક્તિ પ્રદર્શન ગણાયું

734

ચોટીલાના સાંગાણીમાં યોજાયેલું કોળીસમાજનું મહાસંમેલન ફક્ત જ્ઞાતિસંમેલન ન હતું. આ સંમેલન દ્વારા ભાજપે કોળી સમાજ પરના બાવળીયાના પ્રભુત્વ જતાવનાર બની રહ્યું હતું. આ સમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયાં હતાં. આ સંમેલનમાં સીએમ વિજય રૂપાણી, પ્રધાન કુંવરજી બાવળીયા, સહિત તમામ મોટા નેતાઓ જોડાયાં હતાં. એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી કોળીસમાજને સંબોધન કર્યું હતું. આગામી ચૂંટણી ૨૦૧૯ને ધ્યાનમાં રાખીને ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી મહાસંમેલન ભાજપ માટે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.કોળી સમાજના મહાસંમેલનમાં જસદણની પેટાચૂંટણીમાં ભારે મતોથી વિજેતા બનેલાં કુંવરજી બાવળિયાનું અખિલ ભારતીય કોળીસમાજ દ્વારા સન્માન કરવાના પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી ભાજપના કોળી સમાજના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. હીરા સોલંકી, દેવજી ફતેપરા, રાજેશ ચૂડાસમા, શંકર વેગડ, કમસિંહ મકવાણા અને કનુ પટેલે પણ હાજરી આપી હતી. આ સમેલન કુંવરજી બાવળીયાની આગેવાનીમાં યોજવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, સમેલનમાં બોટાદ જિલ્લા પંચાયત કોંગેસના કારોબારી ચેરમેન વાલજી ભાઈ જાદવ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભાતભાજ યાદવ, ગઢડા તાલુકા પચાયત કોંગેસ પ્રમુખ વશરામભાઈ તાવીયા પણ હાજર રહ્યાં હતાં. સંમેલનમાં લગભગ ૧ લાખ લોકો જોડાયાં હતાં.કોળીસમાજને કરેલા સંબોધનમાં રૂપાણીએ કોંગ્રેસ પર તાતાં શબ્દબાણ વરસાવતાં કહ્યું કે કોંગ્રેસે કોળીસમાજનો માત્ર વોટબેન્ક માટે જ ઉપયોગ કર્યો. કોંગ્રેસ સમાજને માત્ર ગેરમાર્ગે જ દોરે છે.

પીએમ મોદીએ કોળી સમાજ શિક્ષણના ક્ષેત્રમાં વધુ અગ્રેસર થાય તેવો અનુરોધ કર્યો હતો.

જણાવીએ કે તમામ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું ખૂબ મહત્વ છે. સૌરાષ્ટ્રમાં લોકસભાની ત્રણ બેઠક પર કોળી સમાજના લોકોના મતનું પ્રભુત્વ રહે છે. હાલમાં પણ સૌરાષ્ટ્રની કુલ ૬ લોકસભા બેઠકમાંથી ત્રણ બેઠક પર ભાજપના કોળીસમાજના સાંસદો છે. જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં ભાજપના ત્રણ સાંસદો જીત્યાં હતાં. જ્યારે અન્ય અમરેલી, અને પોરબંદર બેઠક પર લેઉવા પટેલ તથા જામનગર બેઠક પર આહીર સમાજના ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં જીત્યાં હતાં.

કોળી સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી રાજકોટ-અમદાવાદ હાઇવેનો એકબાજુનો ૪ કિલોમીટરનો રસ્તો પોલીસે બંધ કર્યો હતો. જેને લઈ ૪ કિલોમીટર દૂરથી હાઇવે બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે પોલીસે પોતાનું ભારણ ઓછું કરવા રાહદારીઓને પરેશાન કર્યાં તેવી ફરિયાદ ઉઠી હતી. સંમેલનમાં ભાગ લેવા આવેલા કોળી સમાજના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો.

Previous articleજુનાગઢઃ ૧૩૩ વર્ષ જુની શાળા તંત્રએ કરી બંધ, વિદ્યાર્થીઓ-શિક્ષક રડી પડ્‌યા
Next articleબંગાળમાં કામ કરવા માટે તૃણમૂલ ટેક્સ આપવો પડે છે : નરેન્દ્ર મોદી