ઊર્જાવાન જીવન જીવવા માટે યોગ ખૂબજ જરૂરી : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

667

ઊર્જાવાન જીવન જીવવા માટે યોગનો અભ્યાસ ખૂબજ જરૂરી છે. કાર્યમાં ઉત્સાહ જળવાઇ રહે તે માટે અન્ય તાલીમની સાથે શાંતિમય, સ્વસ્થ અને સ્ફૂર્તિમય જીવન જીવવાની તાલીમ પણ લેવી જોઇએ તેમ, વિધાનસભા સચિવાલય ખાતે કર્મયોગીઓના સ્વસ્થ્ય જીવન પ્રણાલી માટે યોજાયેલા યોગ અભ્યાસ વર્ગનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

અધ્યક્ષે કહ્યું હતું કે, વિધાનસભાના કર્મયોગીઓના સર્વાંગી વિકાસ માટેનો છેલ્લા ૧ વર્ષમાં આ ચોથો કાર્યક્રમ છે. યોગમાં શ્વાસોશ્વાસના વિવિધ પ્રયોગો અને તેના ફાયદા પંચતત્વોની સ્વ અનુભૂતિ અને વિઝ્‌યુલાઇઝેશન જેવી પદ્ધતિ દ્વારા જીવનમાં શાંતિની અનુભૂતિ થાય છે જેના પરિણામે અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યશક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે તેમ પણ ત્રિવેદી એ ઉમેર્યું હતું.

ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો ખાતે આયોજિત આ અભ્યાસ વર્ગમાં યોગગુરૂ રક્ષાબેન રાજે કર્મયોગીઓને યોગ અને શ્વાસ લેવાની વિવિધ મુદ્રાઓ, યોગ શરીર સંચાલનમાં કેવી રીતે મદદરૂપ થઇ શકે તેના ઉપાયો રજૂ કરીને ઉપસ્થિત કર્મયોગીઓને પ્રત્યક્ષ અભ્યાસ કરાવીને યોગથી થતા વિવિધ ફાયદાઓની અનુભૂતિ કરાવી હતી.

વિધાનસભાના નાયબ સચિવ કરોવાએ સ્વાગત પ્રવચન અને શાખા અધિકારી સૈયદભાઇએ આભારવિધિ કરી હતી. અભ્યાસ વર્ગમાં વિધાનસભા સચિવાલયના અધિકારીઓ-કર્મચારીઓએ મોટી સંખ્યામાં રસપૂર્વક ભાગ લઇને આ પ્રકારના વિકાસલક્ષી આયામોને આવકાર્યા હતા.

Previous articleCMને તો આ તંત્ર ગાઠતું નથી, PM આવે તો ગાંધીનગર પશુમુક્ત બને
Next articleફૂડ શ્ ડ્રગ્સ આસિ. કમિશનરના બંગલોમાંથી  દારૂની હોમ ડિલિવરી