ભાજપની ગડબડીના કારણે કોંગ્રસને ઓછી બેઠકો મળી : ભરતસિંહ સોલંકી

1031
guj22122017-7.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ દ્વારા યોજાયેલી ચિંતન શિબિર બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ચૂંટણીમાં કરાયેલી ગડબડી, દાદાગીરી અને ચૂંટણી અધિકારીઓ સહિત સરકારી તંત્રના કરેલા દૂરપયોગના કારણે કોંગ્રેસને ઓછી બેઠકો મળી છે. ચિંતન શિબિરમાં કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક નેતાઓ-કાર્યકરો તરફથી ઇવીએમને લઇને પણ વ્યાપક ફરિયાદો મળી છે. આ સમગ્ર મામલો ગંભીર છે અને તેથી આગામી દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારો ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં ઇલેકશન  પિટિશન પણ દાખલ કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇવીએમનો મુદ્દો ઘણો મહત્વનો અને સંવેદનશીલ છે.
 કોંગ્રેસના ઘણા આગેવાનો અને નેતાઓ-કાર્યકરો દ્વારા ઇવીએમમાં ગડબડીની દહેશત વ્યકત કરાઇ છે અને તેથી આગામી દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારો ગુજરાત હાઇકોર્ટમાં ન્યાય માટે ઇલેકશન પિટિશન ફાઇલ કરશે. તેમણે ઉમેર્યું કે, ઇવીએમની સરખામણીએ બેલેટ પેપર જ નિષ્પક્ષ અને તટસ્થ વિકલ્પ હોઇ બેલેટ પેપરથી જ મતદાન અને ચૂંટણી કરાવવાની માંગણી સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડવા પણ કોંગ્રેસના આગેવાનો તરફથી રજૂઆત મળી છે. કેટલાક ઉમેદવારોને ખોટી રીતે ટિકિટ અપાઇ હોવાની રજૂઆત સાથે જે તે વિધાનસભા મતક્ષેત્રમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો નિષ્ક્રિય રહ્યા હોવાની વાત પણ ધ્યાન પર આવી છે તેવા કિસ્સામાં આગામી દિવસોમાં શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાય તેવો સંકેત પણ તેમણે આપ્યો હતો. સોલંકીએ એ મુદ્દે પણ સ્પષ્ટ કર્યું હતું કે, દેશમાં કોંગ્રેસ એવી પહેલી પાર્ટી છે કે જેણે પરિણામો જાહેર થયા બાદ તરત જ ચિંતન શિબિર યોજી અનોખી પહેલ દાખવી છે. તેની પાછળનો ઉમદા આશય ગુજરાતની પ્રજા સાથેનો સંપર્ક અને સંવાદ જીવંત રહે અને ભવિષ્યમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવાનો છે.

કોંગી આગેવાનોની ઇવીએમ અને અન્ય મુદ્દે રજૂઆત થઇ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં આજે વધુ જિલ્લાઓના કોંગ્રેસ પ્રમુખો, આગેવાનો અને પદાધિકારીઓએ ઇવીએમમાં બ્લુટુથ અને વાઇફાઇ કનેકટ, કેટલાક ઇવીએમના સીલ તૂટેલા હોવા સહિત તેમાં ચેડા થયાની દહેશત વ્યકત કરી હતી, તો કેટલાક આગેવાનોએ અમુક બેઠકો પર ખોટા ઉમેદવારો પસંદ કરાયા હોવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. ગઇકાલે મહેસાણા અને પાટણ જિલ્લા બાદ આજે રાજયના વધુ કેટલાક જિલ્લાના આગેવાનોએ આજે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. તો, સૌરાષ્ટ્રમાં આ વખતે કોંગ્રેસને મળેલી ૩૦ જેટલી બેઠકોની સફળતામાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ હાર્દિક પટેલની ફેકટરના પણ આભાર માન્યો હતો અને તેની પ્રશંસા પણ કરી હતી તો. કેટલાકે વળી હાર્દિક ફેકટરથી બહુ ઝાઝો ફેર નહી પડયો હોવાનું મંતવ્ય રજૂ કર્યું હતું. ચિંતનશિબિરમાં રજૂ થયેલા અભિપ્રાય, મંતવ્યો, સૂચન અને ફીડબેકના આધારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા વિગતવાર અહેવાલ તૈયાર કરીને તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રત કરવામાં આવશે. ચિંતન શિબિરની કવાયતના ભાગરૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તા.૨૩મી ડિસેમ્બરે છેલ્લા દિવસે અમદાવાદ આવશે. રાહુલ ગાંધી સવારે ૧૧-૩૦થી ૨-૦૦ વાગ્યા દરમ્યાન ઉત્તર ગુજરતા અને મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને મળશે, એ પછી બપોરે ૨-૦૦ વાગ્યે કચ્છ-સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓને મળશે, બપોરે ૩-૦૦ વાગ્યે દક્ષિણ ગુજરાતના નેતાઓની સાથે મુલાકાત કરીને સાંજે ૪-૦૦ વાગ્યે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓની સાથે ખાસ બેઠક યોજશે અને તેમને સંબોધન કરશે. રાહુલ ગાંધી વિજેતા થયેલા કોંગ્રેસના ધારાસભ્યોને શુભેચ્છા-અભિનંદન પણ પાઠવશે. ત્યારબાદ મોડી સાંજે દિલ્હી જવા રવાના થઇ જશે. મહેસાણા ખાતે શરૂ થયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, હારી ગયેલા સિનિયર નેતાઓ શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહયા હતા. જેમાં રાજયના વિવિધ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખો, આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓને હાજર રહ્યા હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખો અને સ્થાનિક આગેવાનો-પદાધિકારીઓ પાસેથી પરિણામને લઇ જરૂરી અભિપ્રાય અને ફીડબેક મેળવ્યા હતા તો સાથે સાથે તેમને નિખાલસપણે અને નિર્ભયતાથી જે કોઇ કારણ કે પરિબળ હાર માટે જવાબદાર હોય તે જણાવવા સૂચન કર્યું હતું. જેના અનુસંધાનમાં કેટલાક જિલ્લા પ્રમુખો અને આગેવાનોએ મતદાન દરમ્યાન ઇવીએમમાં બ્લુ ટુથ અને નમો વાઇફાઇ કનેકટ થતું હતુ, તો કેટલાક મતગણતરી કેન્દ્રો પર ઇવીએમ સીલ તૂટેલી હાલતમાં હોવાની સહિતની ફરિયાદ રજૂ કરી હતી, તો કેટલાક આગેવાનોએ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પક્ષ દ્વારા ખોટા ઉમેદવારો પસંદ કરાયા હોવાની રજૂઆત કરી હતી, જેના લીધે પક્ષને કેટલીક બેઠકો પર નુકસાન થયાનો અભિપ્રાય આપ્યો હતો. જિલ્લા પ્રમુખો સહિતના પદાધિકારીઓના અભિપ્રાયો અને મંતવ્યો જાણ્યા બાદ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિતના નેતાઓએ તેને ગંભીરતાથી લીધા હતા અને આ મુદ્દે ચિંતન-મનોમંથનની કવાયત હાથ ધરી હતી.