સરકારની રચના-મુખ્યમંત્રીના નામને લઇ ભાજપમાં કશ્મકશ

1192
guj22122017-9.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭માં ફરી એકવાર સત્તા જાળવી રાખવામાં સફળ થયેલી ભાજપ દ્વારા હવે પરિણામો બાદ નવી સરકારની રચના અને નવા મુખ્યમંત્રીના નામને લઇ જબરદસ્ત કશ્મકશ ચાલી રહી છે.  બીજીબાજુ, શપથવિધિ સમારોહની તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંડળના તમામ પ્રધાનોએ વિધિવત્‌ રીતે પોતાના હોદ્દા પરથી રાજીનામુ રાજયપાલને સુપ્રત કર્યું હતું. તો બીજીબાજુ, નવી સરકારની રચના અને મુખ્યમંત્રીના કળશના મુદ્દે ચર્ચા કરવા ભાજપના ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી અને મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સરોજ પાંડે ટૂંક સમયમાં જ નિર્ણય લેશે. એ પહેલા તેઓ નવા ચૂંટાયેલા ભાજપના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજવાની હોઇ આવતીકાલે ગાંધીનગર કમલમ્‌ ખાતે ભાજપ દ્વારા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે, જે અંગે તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે. ગઇકાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૧૩મી વિધાનસભાના વિસર્જન માટે  રાજયપાલને પત્ર સોંપાયો હતો, જેના અનુસંધાનમાં રાજયપાલ ઓ.પી.કોહલીએ વિધાનસભાનું વિસર્જન કર્યું હતું. એ પછીની બંધારણીય અને પ્રણાલિગત પ્રક્રિયાના ભાગરૂપે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંડળના તમામ પ્રધાનોએ વિધિવત્‌ રીતે પોતાના હોદ્દા પરથી રાજીનામુ રાજયપાલને સુપ્રત કર્યું હતું. જો કે, જયાં સુધી નવા મુખ્યમંત્રી કે પ્રધાનમંડળની રચના ના થાય ત્યાં સુધી રાજયપાલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેરટેકર તરીકે ચાલુ રહેવા હુકમ કરશે.
 નવી સરકારની રચના અને નવા મુખ્યમંત્રીના નામની પ્રક્રિયા થોડી એટલે વિલંબિત થઇ રહી છે કેમ કે, હાલ લોકસભાનું ગૃહ ચાલુ હોઇ અમિત શાહ, અરૂણ જેટલી સહિતના નેતાઓ તેમાં થોડા વ્યસ્ત છે. જો કે, શનિવાર-રવિવારે બે દિવસમાં આ મામલે જબરદસ્ત ધમધમાટ રહેશે. નવી સરકારની રચનામાં પ્રધાનમંડળના નામો અને મુખ્યમંત્રીના નામ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથેની ચર્ચા આખરી અને ફાઇનલ રહેશે 
તે નક્કી છે. હાલ લોકસભાનું ગૃહ ચાલુ હોઇ અમિત શાહ શનિવારે અમદાવાદ આવશે અને સોમવાર સુધી અહીં રહે તેવી શકયતા છે કે જેથી આ કવાયતને આખરી ઓપ આપી શકાય. નવા મુખ્યમંત્રી રાજયપાલને સરકાર રચવા અંગેની બહુમતી સાથેની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જે ધ્યાનમાં લઇ રાજયપાલ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપશે અને ત્યારબાદ વિધિવત્‌ રીતે સરકારની રચના થશે. નવી સરકારની રચના બાદ રાજયપાલ દ્વારા સિનિયર ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુકત કરશે અને આ પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ધારાસભ્યપદના શપથ લેવડાવશે. જો કે, ભાજપ સરકારના નવા મુખ્યમંત્રીના નામને લઇ હજુ સસ્પેન્સ યથાવત્‌ છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને રિપીટ કરાય છે કે, પછી નીતિન પટેલને પ્રમોશન અપાય છે તે મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે તો, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને વજુભાઇ વાળાનું નામ પણ બીજી ચર્ચામાં ચાલી રહ્યું છે. ભાજપ દ્વારા નવી સરકારની રચના અને શપથવિધિ સમારોહ માટે વિશેષ આયોજનો કરાયા છે. જેમાં ગુજરાતભરમાંથી ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા સહિતની ભાજપ શાસિત દેશના અન્ય રાજયોની સરકારમાંથી પણ દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોને ખાસ આમંત્રિત કરવામાં આવનાર છે.