ગુજરાતના કાયમી ડીજીપીનો તાજ શિવાનંદ ઝાના શિરે મૂકવાની તૈયારી

681
gandhi23122017-5.jpg

ગુજરાતમાં તાજેતરમાં ચૂંટણીની આચાર સંહિતાના કારણે કાયમી ડીજીપીના નિર્ણયને મહોર મારતા વાર લાગી છે. હવે બે મહિનામાં કાયમી ડીજીપી બનાવવા માટે તૈયારીઓ કરાઇ રહી છે. જેમાં અગ્રતા ક્રમે ડેપ્યુટેશન પર રહેલા પટનાયક છે, પરંતુ તે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની બહાર હોવાથી હવે સરકારની ગુડબુકમાં રહેલા શિવાનંદ ઝાને કાયમી ડીજીપી બનાવવા માટેની તૈયારીઓ થઇ રહી હોવાનું આઇપીએસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલ નવી સરકાર રચાય ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવશે તેવી વિગતો જાણવા મળી રહી છે.
આઇપીએસ કેડરમાં કોને ડીજીપીનો તાજ મળશે તે મુદ્દે હાલ સરકાર દ્વારા નક્કી કરી દેવામાં આવતા હવે ૧૪ જાન્યુઆરી પછી ગમે ત્યારે ગુજરાતને કાયમી ડીજીપી મળશે તેવી શક્યતા છે. અમિતાભ પાઠકના નિધન બાદ રાજ્યમાં ઇન્ચાર્જ ડીજીપી તરીકે જ નિમણૂંક આપવામાં આવી છે. ત્યારે પુર્વ આઇપીએસ રાહુલ  શર્માએ હાઇકોર્ટમાં ગુજરાતના કાયમી ડીજીપી મુદ્દે અરજી કરી હતી. જેના સંદર્ભે હવે કોર્ટે ગુજરાતને બે મહિનામાં કાયમી ડીજીપીની નિમણૂંક કરવા માટે સૂચન કર્યું છે.
હાલ નવી સરકાર રચાવા માટેની કાર્યવાહી થઇ રહી છે. પરંતુ હાઇકોર્ટના સૂચન બાદ જ કોને કાયમી ડીજીપી બનાવવા તે માટેનો નિર્ણય થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત કેડરના આઇપીએસમાં એ. કે. પટનાયક ઘણા વર્ષોથી ગુજરાત બહાર છે. જેથી હવે ૧૯૮૩ની બેચના સૌથી સીનિયર આઇપીએસ તરીકે શિવાનંદ જા હાલ પ્રમુખ દાવેદાર છે. જ્યારે ત્યાર બાદ વિપુલ વિજોય અને તીર્થરાજ પણ ચર્ચામાં છે. પરંતુ આ વખતે લાંબા સમય સુધી ગુજરાતના કાયમી ડીજીપી બનાવવા માટે સરકાર દ્વારા મન બનાવી લેવામાં આવ્યું છે. જે જગ્યાએ સરકાર અને ડીજીપીના માપદંડમાં શિવાનંદ જા ફીટ છે. જેથી હવે ૧૪મી જાન્યુઆરી આસપાસ તેમના નામની જાહેરાત થઇ શકે છે.