ગુજરાતની ચૂંટણીમાં ભાજપને લાગેલા આંચકાથી સંગઠનમાં ધરખમ ફેરફારો તોળાઇ રહ્યા છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બન્ને સૌરાષ્ટ્રના હોવાથી છતા સૌરાષ્ટ્રમાં ભાજપને સૌથી વધુ નુકશાન થયુ તેની કેન્દ્રીય નેતાગીરીએ ગંભીર નોંધ લીધી છે. આવતા દિવસોમાં પ્રદેશના માળખામાં મોટા ફેરફારો થશે. વર્તમાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રી મંડળમાં સમાવાય તો તાત્કાલીક નહિતર થોડા સમય પછી સંગઠનમાં નેતૃત્વ પરિવર્તન ડોકિયા કરી રહ્યું છે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાને આગળ કરવાની પાર્ટીની માનસિકતા દેખાય છે. આવા સંજોગોમાં નવા સંભવિત પ્રમુખ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે ઉપસે છે.
સતામા પાટીદારોને મહત્વ અપાય તો સંગઠનમાં બક્ષીપંચને મહત્વ આપી મોટી વોટ બેંકને આકર્ષવાનું ભાજપનું ગણિત છે. શંકર ચૌધરી ચૂંટણીમાં પરાજીત થયા હોવાથી સરકારમાં તેમનું સ્થાન નહિ હોય તેથી પાર્ટી તેમનો ફરી સંગઠનમાં મહામંત્રી અથવા પ્રદેશ પ્રમુખ તરીકે ઉપયોગ કરવા માંગે છે તેવુ પાર્ટીના વર્તુળો જણાવે છે. તેઓ અગાઉ મહામંત્રી તરીકે રહી ચૂકયા હોવાથી પ્રદેશના સંગઠનના અનુભવી છે. લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને પ્રભાવક નેતૃત્વ પુરૂ પાડવાની ક્ષમતા પાર્ટી તેમનામાં જોઇ રહી છે.જ્ઞાતિ-ભૂગોળના આધારે અન્ય નામોનો પણ વિચાર થઇ શકે છે.