જવાહરને પ્રવાસન, મત્સ્યોદ્યોગ ખાતુ મળી ગયું

646

રૂપાણી સરકારના ગઇકાલે મંત્રીમંડળના વિસ્તરણ બાદ અને નવનિયુકત ત્રણ પ્રધાનોને આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિધિવત્‌ રીતે ખાતાઓની ફાળવણી કરી દીધી છે. જેમાં કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયેલા અને સીધા કેબીનેટ મીનીસ્ટર બનાવાયેલા જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. જયારે મંત્રી યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ રાજયકક્ષા વિભાગની ફાળવણી કરવામાં આવી છે. તો, રાજયમંત્રી વાસણભાઇ આહીરને પ્રવાસન વિભાગનો રાજયકક્ષાનો વધારો હવાલો તેમના હાલના વિભાગ ઉપરાંત સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ.ના અધ્યક્ષ તરીકે વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઇ શ્રીવાસ્તવની નિમણૂંક કરવામાં આવી છે. જયારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના વાઇસ ચાન્સેલર તરીકે શ્રી મહિપતસિંહ ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે.  ગુજરાતની રાજનીતિમાં ભારે ઉતાર ચઢાવ બાદ ગઇકાલે રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના રાજભવન ખાતે વિજય મૂર્હતમાં ભાજપની શપથવિધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા જાડેજા) અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા હતા. રાજયપાલ ઓ.પી.કોહલીએ નવા ત્રણેય મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કોંગ્રેસમાંથી આવેલા જવાહર ચાવડાને કેબિનેટમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે.

યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. મંત્રી યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ રાજયકક્ષા વિભાગની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં ભળેલા સી.કે. રાઉલજીનો મંત્રીમંડળમાં સમાવેશ નથી કરાયો. પરંતુ પાર્ટી તરફથી તેમને પંચમહાલ બેઠક પર ચૂંટણી લડાવવાની બાંહેધરી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleચૂંટણી તારીખોની જાહેરાતને લઇ પોલીસતંત્રમાં દોડધામ