લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગરમાં ૧૯ લાખ ૨૦ હજાર મતદારો વોટ આપશે

776

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચારસંહિતાના અમલ માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય, તે માટે જિલ્લામાં વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પણ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું.

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.કે.લાંગાએ વઘુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કુલ- ૭ વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ૩૬- ગાંધીનગર, ૩૮- કલોલ, ૪૦ સાણંદ, ૪૧- ઘાટલોડિયા, ૪૨- વેજલપુર, ૪૫- નારાયણપુરા અને ૫૫- સાબરમતીનો વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ૯, ૯૧,૮૭૭ પુરૂષ મતદારો, ૯,૨૮,૮૮૧ સ્ત્રી મતદારો અને ૪૯ અન્ય મતદારો મળી કુલ- ૧૯,૨૦,૮૦૭ મતદારો પોતાના મતાઅઘિકારનો ઉપયોગ કરશે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ૫૧૯ સર્વિસ વોટૂરસ છે. તેમજ કુલ- ૧૯૭૨ પોલીંગ સ્ટેશન છે અને ૭૦૩ પોલીંગ સ્ટેશન લોકેશન છે. ધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.લાંગાએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર વિધાનસભા મત વિસ્તાર ૩૪- દહેગામ, ૩૫- ગાંધીનગર, ૩૬- ગાંધીનગર, ૩૭-માણસા અને ૩૮- કલોલ છે. આ તમામ વિધાનસભા મત વિસ્તાર અલગ – અલગ સંસદીય મત વિસ્તારમાં છે. જેમાંથી ૩૬ ગાંધીનગર અને ૩૮- કલોલ વિધાનસભા મત વિસ્તાર ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં આવે છે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં કુલ – ૧૨,૧૪,૧૫૫ મતદારો છે. જેમાં ૬,૨૪,૨૦૨ પુરૂષ, ૫,૮૯,૯૧૬ સ્ત્રી અને ૩૭ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. જેમાં કુલ- ૧૩૭૯ પોલીંગ સ્ટેશન અને ૬૪૧ પોલીંગ સ્ટેશન લોકેશન તથા ૧૩૭૯ બી.એલ.ઓ. છે.

ગાંધીનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ૨૦ નોડલ ઓફિસરોને ફરજ સોંપવામાં આવી છે. તેમજ ચૂંટણી ખર્ચના નિયંત્રણ માટે વિડિયો સર્વેલન્સની – ૨૦ ટીમ, વિડિયો વ્યુવીંગની ૫ ટીમ, સ્ટેટીક સર્વેલન્સની ૨૦ ટીમ, ફલાઇંગ સ્કવોડની ૨૦ ટીમ અને એક એકાઉન્ટીંગ ટીમ તેમજ પેઇડ ન્યૂઝ અને મીડિયા મોનીટરીંગ માટે એમ.સી.એમ.સી ટીમની રચના કરવામાં આવી છે. તેની સાથે ચૂંટણી પ્રક્રિયામાં સભા આયોજન, કાર્યક્રમો,પ્રિન્ટીંગ અંગે  જેવી અન્ય મંજૂરી ખૂબ જ ઝડપી આપવા માટે સુવિધા નામની એપ શરૂ કરવામાં આવી છે. જેમાં ૭૨ કલાક સુધીમાં મંજૂરી આપવાની હોય છે, પરંતુ મોટા ભાગની મંજૂરી ૨૪ કલાકમાં આપી શકાય તેવી પણ સુચારું વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કર્મયોગીઓની રજા મંજૂરી પણ કલેકટરની કક્ષાએથી લેવાશે. તમામ ટીમોને તેમને સંલગ્ન કામગીરીની તાલીમ પણ આપવામાં આવી છે. મતદાન મથકો પર ચૂંટણીપંચના માર્ગદર્શન મુજબની તમામ જરૂરિયાત ઉભી કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં કુલ- ૪૩ હજાર જેટલા નવા મતદારો ઉમેરાયા છે. તેમજ ૧૨ હજાર જેટલા મતદારો વિકલાંગ છે. મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા માટે સ્વીપના કાર્યક્રમની માહિતી આપતાં એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, દરેક શૈક્ષણિક સંકુલમાં મતદાન જાગૃતિ લાવવાના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. તેમજ કોલેજ કેમ્પસ એમ્બેસેડરની નિમણુંક કરવામાં આવી છે. ઇ.વી.એમ અને વી.વી.પેટ.નું નિર્દેશન કરવામાં આવ્યું છે. ’ કોઇ પણ મતદાર બાકાત ન રહી જાય’  તેવા ચૂંટણી પંચના સૂત્રને સાકાર કરવાનું સુવ્યસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તે માટે સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ૨૩ ચેકીંગ પોસ્ટ નક્કી કરવામાં આવી છે. તેમજ ૨૦ એફ.એસ.ટી અને ૨૦ એસ.એસ.ટી.ની ટીમ કાર્યરત થઇ છે. તે ઉપરાંત હથિયાર પરવાના ધરાવતા ૮૨૫ હથિયાર પરવાનેદારો પાસેથી હથિયાર પરત લેવાની કાર્યવાહી ચૂંટણી આચાર સંહિતા અમલી આવી ત્યારથી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ૮૯ જેટલા પરવાના ધરાવતા હથિયારો જમા કરવામાં આવ્યા છે.

ખર્ચ નિયંત્રણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફલાઇંગ સ્કર્વોડ જેવી ટીમો ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણની સૂચનાઓના આધારે કાર્યવાહી કરશે. ચૂંટણી પ્રચારની સામગ્રી સહિત અને ચૂંટણી લડતા ઉમેદવાર કે પક્ષના કાર્યક્રર સાથે સંબંધિત હોય તેવા વાહન સાથે જો રૂ. ૫૦ હજાર થી વધુ રોકડ અથવા ૧૦ હજાર થી વધુ મૂલ્યની ભેટ- સોંગદો મળશે તો પંચની સૂચનાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. રૂપિયા ૧૦ લાખથી વધુની રકમ મળશે, તો ઇન્કમટેક્ષને જાણ કરવામાં આવશે. રોકડ સાથે યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવશે, તો ટીમો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી.

Previous articleગાંધીનગર જિલ્લામાં ૯૦.૪૬ હજાર મેટ્રિક ટન ઘઉંનું વિક્રમી ઉત્પાદન થશે
Next articleલોકસભા ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાનની સંઘ ખાતરી કરી શકે