મનપા દ્વારા પ્લાસ્ટિક ઝૂંબેશ : પ્રતિબંધિત પ્લાસ્ટિક પતંગનો જથ્થો જપ્ત કરાયો

877
gandhi312018-5.jpg

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા પ્લાસ્ટીક ઝુંબેશ શરૂ કરાઇ છે. ઘણા સમયથી નગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે મનપાની ટીમે સેકટર ૧થી ૪માંથી પ્રતિબંધિક પ્લાસ્ટીકના પતંગ અને પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કર્યો હતો. દિવ્યભાસ્કરે ગુરૂવારે ચાઇનીઝ ચિજવસ્તુઓ અને પતંગના સમાચાર પ્રસિધ્ધ કર્યા હતાં. તે સમાચારને લઇને તંત્રએ તપાસ કરી હતી અને જુદી જુદી દુકાનો પર તપાસ હાથ ધરીને કાર્યવાહી કરી હતી.
રાજ્યમાં મકરસંક્રાંતિનો પર્વ આગામી દિવસોમાં આવી રહ્યો છે. જ્યારે અત્યારથી જ બજારમાં પતંગનું વેચાણ શરૂ થઇ ગયુ છે. ત્યારે બજારમાં મળતી ચાઇનીઝ દોરી અને પ્રતિબંધિત પ્લાસ્ટીકના પતંગો પર તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે મહાનગરપાલિકાની દબાણ શાખા સક્રીય થઇ ગઇ છે અને શહેરના જુદા જુદા સેકટરોમાં પ્લાસ્ટીક પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. 
જેમાં શુક્રવારે મનપાના દબાણ અને પ્લાસ્ટીક વિરોધ ટીમના અધિકારી મહેશકુમાર મોડ અને તેમની ટીમે પ્લાસ્ટીક પતંગ તથા દોરી જપ્ત કરી હતી.
અધિકારી મહેશકુમારે જણાવ્યું હતું કે, શુક્રવારે સેકટર ૧થી ૪માં કાર્યવાહી કરાઇ હતી. પ્લાસ્ટીક પતંગ પણ પ્રતિબંધ હોવા છતાં ઘણા વેપારીઓ તેનું વેચાણ કરે છે. ત્યારે આવા લારી અને ગલ્લામાં પ્લાસ્ટીક પતંગનું વેચાણ કરતાં વેપારીઓ પાસેથી પ્લાસ્ટીક પતંગ જપ્ત કરવામાં આવ્યાં હતાં. હજુ પણ જો વેપારી કે ફેરીયો પ્લાસ્ટીક પતંગ વેચતો હોવાની જાણ થશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં મહાનગરપાલિકાની પ્લાસ્ટીક ઝુંબેશ ચાલુ રખાશે.