રૂપાણી બે મહિનામાં જ કરશે મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો કેટલા પ્રધાનોને સમાવી શકાશે?

651
gandhi5-1-2018-3.jpg

ભાજપમાં મંત્રીમંડળની રચના અને મંત્રીમંડળમાં પણ ખાતાંની વહેંચણીના મામલે પ્રવર્તતા અસંતોષના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતા મહિને જ પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે. રાજ્યના મત્સ્યોદ્યોગ પ્રધાન પરસોત્તમ સોલંકીએ આ માહિતી આપી છે. સોલંકીએ વધારે વિગતો નથી આપી પણ ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનામાં જ રૂપાણી પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને સાત નવા પ્રધાનોને સમાવાશે. આ ઉપરાંત ૫ જેટલા સંસદીય સચિવોને પણ લેવામાં આવશે અને એ રીતે પક્ષમાં પ્રવર્તતા અસંતોષને દૂર કરવામાં આવશે.
બંધારણીય જોગવાઈ મુજબ ગુજરાતમાં ૨૭ સભ્યોનું મંત્રી મંડળ બનાવી શકાય છે. મુખ્યમંત્રીએ પ્રથમ તબક્કે ૨૦ સભ્યોનું મંત્રી મંડળ બનાવ્યુ છે. આમ હજુ ૭ સભ્યો ઉમેરી શકાય તેટલી જગ્યા છે. અનેક જિલ્લાઓ પ્રતિનિધિત્વ વિહોણા છે ને તેમને સમાવવા માટે પણ નવા પ્રધાનોની શપથવિધી કરાવાશે.બીજી તરફ કેટલાય ધારાસભ્યોના અસંતોષ અને વર્તમાન મંત્રીઓના કામના ભારણને ધ્યાને લઈ મુખ્યમંત્રી હાલનાં ખાતાંમાં પણ ફેરફાર કરે તેવી શકયતા નકારાતી નથી. સવા વર્ષ પછી લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેથી નવા મંત્રીઓની પસંદગીમાં આ બાબત ધ્યાને લેવામાં આવશે.આ ઉપરાંત જુનિયર ધારાસભ્યોને કામગીરીથી વાકેફ કરવા માટે પાંચ-સાત સંસદીય સચિવોની એકદમ ટૂંક સમયમાં જ નિમણૂક થાય તેવા નિર્દેશ મળે છે. આ નિમણૂકોના દૌરમાં યુવા ધારાસભ્યોને સીનિયર પ્રધાનો સાથે સંસદીય સચિવ તરીકે મૂકવામાં આવશે.રાજ્યમાં વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી મધ્યથી શરૂ થશે. તે પૂર્વે અથવા સત્ર પછી તુરંત સંભવતઃ માર્ચમાં મંત્રી મંડળનું વિસ્તરણ થશે. એ પહેલાં વિધાનસભાના સ્પીકરની ચૂંટણી અને ધારાસભ્યોના શપથનો કાર્યક્રમ ટૂંક સમયમાં જ જાહેર થશે. સાથે સાથે બોર્ડ નિગમોમાં બાકી રાજકીય નિમણૂકોનો દોર આગળ વધે તેવી શકયતા છે.