૨૦ એપ્રિલ બાદ મેટ્રો રેલમાં નિરાંત ક્રોસ રોડ સ્ટેશન શરૂ થાય તેવી શક્યતા

635

ગત તા.૧૬ માર્ચથી શહેરી જનોને વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે દોડતી મેટ્રો રેલની ટિકિટ લેવી પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.૪ માર્ચ આ રૂટનું લોકાપર્ણ કરાયા બાદ તેનો બે દિવસ બાદ લોકો માટે પ્રારંભ કરાયો હતો. અત્યારે તો મેટ્રો રેલ આ બે સ્ટેશન વચ્ચે જ દોડી રહી છે વચ્ચેના ચાર સ્ટેશનનાં સીડી, પ્લેટફોર્મ વગેરેને લગતાં નાનાં-મોટાં કામ બાકી રહ્યાં હોઇ ટ્રેન ક્યાંય ઊભી રહેતી નથી પરંતુ મેટ્રો રેલના સત્તાવાળાઓએ દર્શાવેલી શકયતા મુજબ જો બધું સાંગોપાંગ પાર ઊતરે તો આગામી તા.ર૦ એપ્રિલ બાદ નિરાંત ક્રોસ રોડ સ્ટેશન ખાતે મેટ્રો રેલ ઊભી રહેશે.

મેટ્રો રેલના સત્તાવાળાઓ કહે છે, મેટ્રો રેલ રૂટના અન્ય નિરાંત ક્રોસ રોડ, અમરાઇવાડી, વસ્ત્રાલ અને રબારી કોલોની એમ કુલ ચાર સ્ટેશન પૈકી અગામી તા.ર૦ એપ્રિલ બાદ સૌથી પહેલા નિરાંત ક્રોસ રોડ સ્ટેશન કાર્યરત થઇ જશે. હાલમાં આ સ્ટેશનનું ફિનિશિંગનું કામ ચાલુ છે. પરંતુ વિવિધ સ્તરેથી સેફટી, ફાયર સહિતની લેવી પડતી એનઓસીને કારણે આ સ્ટેશનને પેસેન્જર્સ માટે ખૂલ્લું મુકવામાં ૧પથી ર૦ દિવસનો સમય લાગે તેવી શકયતા છે.

જોકે અન્ય બે સ્ટેશન વસ્ત્રાલ અને રબારી કોલોનીને કાર્યરત થવામાં જૂન મહિના સુધી પ્રતીક્ષા કરવી પડશે. પરંતુ વધુમાં વધુ ત્રણ મહિનામાં હાલ નોન સ્ટોપ દોડતી મેટ્રો રેલ વચ્ચેના તમામ ચારે સ્ટેશન પર ઊભી રહેશે. અત્યારે સવારે અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી પેસેન્જર્સ માટે એક મેટ્રો રેલ દોડી રહી છે.

Previous articleશ્રમજીવી પર હુમલો કરી ત્રણ હિન્દીભાષીએ લૂંટ ચલાવી
Next articleઅમિત શાહે ઉમેદવારી પત્ર સાથે કરોડોની મિલકત દર્શાવી