મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનો ૮૭મો સ્થાપના દિવસ ઉજવાયો

938
bvn712018-7.jpg

તા.૬ જાન્યુઆરીના રોજ આઝાદી પૂર્વે વર્ષે ૧૯૩રમાં સ્થપાયેલ ભાવેણા અગ્રણી સામાજિક સંસ્થા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના ૮૭માં સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. સ્થાપના દિન નિમિત્તે યોજાયેલ સમારંભમાં શ્રેષ્ઠ શિક્ષક માટેનો દ્રોણાચાર્ય એવોર્ડ ભાવનાબેન મજીઠીયાને એનાયત થયો હતો. જ્યારે શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેને અર્જુન એવોર્ડ વરીયા ગૌતમ અને શ્રેષ્ઠ વિદ્યાર્થીની તરીકે હેલન કેલર એવોર્ડ ચૌહાણ ભારતીને પ્રાપ્ત થયો હતો તેમજ રમતગમત ક્ષેત્રે વિશિષ્ઠ સિધ્ધિ હાસલ કરવા બદલ ધનેશ મહેતા ટ્રોફી પંડયા અભિષેકને આપવામાં આવી હતી.
આ પ્રસંગે મહાત્મા લૂઈ બ્રેઈલની ર૦૯મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિક આપવામાં આવ્યા હતા. ધોરણ ૧ થી ૧ર, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ તેમજ સંગીત વિશારદમાં શ્રેષ્ઠ ગુણ સાથે પરીક્ષા ઉત્તિર્ણ કરનાર વિદ્યાર્થીઓને સ્વ.જસવંતરાય મહેતા પારિતોષિક એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થી ગણમાંથી ત્રણ વિદ્યાર્થીઓને તથા શાળાના સમગ્ર કર્મચારીઓમાંથી બે કર્મચારીઓને ચિઠ્ઠી ઉડાડી લક્કી-ડ્રો કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહેમાન પરાગમાં બુચ (આસિસ્ટન્ટ જનરલ મેનેજર, એસબીએલસી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ભાવનગર), દેબઆશિષ પાલો (બ્રાચ્ન મેનેજર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પરિમલ બ્રાંચ, ભાવનગર)એ ખાસ હાજરી આપી હતી. સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓની તેમજ સમગ્ર કાર્યક્રમની માહિતી સંસ્થાના સીઈઓ લાભુભાઈ સોનાણીએ આપી હતી. જ્યારે મહેમાનોનું સ્વાગત મહેશભાઈ પાઠકે કર્યુ હતું. કાર્યક્રમનો પ્રારંભ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી મહેશ ગઢવીની સુંદર પ્રાર્થના સાથે થયો હતો. જ્યારે કાર્યક્રમનો આભારદર્શન       હર્ષકાંતભાઈ રાખશીયાએ કર્યુ હતું.

Previous articleછેતરપીંડીના ગુન્હામાં બે વર્ષથી ફરાર શખ્સ જબ્બે
Next articleડુપ્લીકેટ નોટોના જથ્થા સાથે બે ઝડપાયા