કોંગ્રેસ ગરીબોના મોઢાનો કોળીયો છીનવી ચૂંટણી લડી રહી છેઃ મોદી

510

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે ગુરુવારે બિહારના ભાગલપુરમાં અને અસમમાં રેલીને સંબોધન કરતા પાકિસ્તાન તેમજ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા. વડાપ્રધાને દાવો કર્યો કે ૨૩મેએ મોદીની સરકાર ફરી રચાશે તે નિશ્ચિત છે. વડાપ્રધાને એવો પણ દાવો કર્યો કે તેમની સરકાર નક્સલવાદ અને આતંકવાદ સાથે કોઈ જ સમજૂતી કરશે નહીં. તેમણે નક્સલવાદ અને આતંકવાદને નષ્ટ કરવા માટે સુરક્ષાદળોને છૂટ આપી દીધી છે. વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા મોદીએ જણાવ્યું કે મોદી સરકાર ફરી રચાશે તો ટુકડે-ટુકડે ગેંગ વેર વિખેર થઈ જશે.ભાગલપુરમાં કોંગ્રેસ સહિત વિપક્ષ દળો પર વડાપ્રધાને આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ‘આ મહામિલાવટી લોકો દેશમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. આ આપણા જવાનોને હથિયાર વગરના અને નિઃસહાય બનાવવા ઈચ્છે છે. આ મહામિલાવટી નેતા ભય ફેલાવી રહ્યા છે કે ફરી મોદી આવશે તો દેશમાંથી ચૂંટણી જ નાબૂદ થઈ જશે. એવો પણ ભય ફેલાવે છે કે મોદી ફરી આવશે તો બંધારણીય સંસ્થા નષ્ટ થઈ જશે. વાસ્તવમાં આ લોકો આવો ડર એટલા માટે ફેલાવી રહ્યા છે કારણ કે મોદી ફરી સત્તામાં આવશે તો તેમની ભ્રષ્ટાચારની દુકાનો સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. તેમના વંશવાદી રાજકારણના દિવસો જતા રહેશે. રક્ષા સોદામાં દલાલી બંધ થઈ જશે.

આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું કે, ‘૨૦૧૪ અગાઉના ભારતને યાદ કરો. ત્યારે પાકિસ્તાન આતંકીઓને મોકલતું હતું અને બાદમાં ધમકી આપતું હતું. કોંગ્રેસની સરકારની કાર્યવાહી ફક્ત કાગળ પર સિમિત રહેતી હતી. અમે દુશ્મનોને તેમને ઘરમાં ઘૂસીને માર્યા. આજે સ્થિતિ જુદી છે અને પાકિસ્તાન વિશ્વ સામે રડી રહ્યું છે પરંતુ તેને કોઈ ઘાસ પણ નથી નાંખતું.

નેતાઓને તેમના આંગણાઓ સુધી સારા રસ્તાઓ બનાવતા તો તમે ચોક્કસ જોયા હશે. પરંતુ બિહારના ગામે ગામે સારા રસ્તાઓ બનાવવાનો ઠેકો આ ચોકીદાર અને તેના સાથીઓનો છે. મોટા મોટા ફાર્મ હાઉસ, મહેલ જેવા બંગલાઓ બનાવનારા તો તમે ઘણા જોયા હશે. તે લોકોથી વિપરીત તમારા આ ચોકીદારે તમારા ચૂલા ચોકાનું ધ્યાન રાખ્યું છે.

કોંગ્રેસને ઘેરતા વડાપ્રઘાને ઉમેર્યું કે, ‘અમે જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઠેકાણાની ભાળ મેળવી લેશું તેવું અમે જણાવ્યું છે. પાકિસ્તાનથી નાણાં મેળવનારાઓને જેલમાં ધકેલીશું. જ્યારે કોંગ્રેસ અને તેમના સાથીઓ જણાવે છે કે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરાશે. જે પાકિસ્તાનથી નાણાં મેળવતા હોય તેમના પર ભરોસો કરાય?, આ લોકો ડઘાઈ ગયા છે અને અવિશ્વાસથી પડી ગયા છે. દેશને હવે સીધો જવાબ જોઈએ છે કે આ લોકો દેશના જવાનો સાથે છે કે આતંકવાદીઓ સાથે.

આસામમાં પીએમ મોદીએ કહ્યું કે,‘કોંગ્રેસ પાર્ટી ગરીબોના મોઢાનો કોળીયો છીનવી ચૂંટણી લડી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે હાલ દેશમાં ‘તુઘલક રોડ ચૂંટણી કૌભાંડ’ની ચર્ચા છે. પીએમે કહ્યું કે,‘કોંગ્રેસનો એક નવો ગોટાળો સામે આવ્યો છે જેનું નામ ‘તુઘલક રોડ ચૂંટણી કૌભાંડ છે.’ દિલ્હીના તુઘલક રોડ ખાતે એક મોટા કોંગ્રેસી નેતાનો બંગલો છે. આ બંગલાથી છેલ્લા કેટલાક દિવસથી કરોડો રૂપિયાનો ખેલ ખેલાઈ રહ્યો છે.’ આ સિવાય વધુ ઉમેરતા પીએમ મોદીએ કહ્યું કે,‘આ બંગલાથી જે લોકોના તાર જોડાયેલ છે તેમની પાસેથી બોરી ભરીને નોટ મળ્યા છે. એક તરફ આ લોકો ચોકીદારને ચોર કહી રહ્યા છે. બીજી તરફ તેમની લૂટનો પર્દાફાશ થઈ રહ્યો છે.’

દરમિયાન નિતિશ કુમારે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે, આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં પીએમ મોદીએ ક્યારેય પીછેહઠ કરી નથી.ગરીબો માટે કેન્દ્ર સરકારે યોજનાઓ લોન્ચ કરી છે.જેનો ફાયદો લોકોને મળી રહ્યો છે.કેન્દ્ર દ્વારા બિહારને ૫૦૦૦૦ કરોડની સહાયતા કરાઈ છે.બિહારમાં લાલુ અને રબડી દેવીના રાજમાં રાજ્યનુ બજેટ ૨૦૦૦ કરોડથી ઓછુ હતુ અને આજે બિહારનુ બજેટ ૨ લાખ કરોડ થઈ ગયુ છે.

Previous articleપ્રથમ તબક્કાનું વોટિંગ પૂર્ણ, સરેરાશ ૫૩.૦૬% મતદાન
Next articleરાજ્યમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ, પારો ૪૨ડીગ્રીથી વધુ