પોલીસ કાર્યવાહી પર વિશ્વાસ રાખી ત્રીજા દિવસે મૃતદેહનો સ્વીકાર કર્યો

615
bhav11-1-2018-5.jpg

તળાજા તાલુકાના દિહોર ગામે ગત સોમવારના વહેલી સવારે કોળી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવમાં તળાજા પોલીસે હત્યાનો આરોપી સુંદરજી ધાંધલાને ઝડપી લીધો હતો પણ મૃતકના પરિવારજનો દ્વારા હત્યામાં વધુ આરોપી હોવાની માંગ કરી આરોપી પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવા ઈન્કાર કર્યો હતો. બનાવની જાણ થતા કોળી સમાજના આગેવાનો, રાજકિય આગેવાનો દિહોર ગામે દોડી ગયા હતા. પોલીસ તંત્ર દ્વારા મૃતક અનિલભાઈ બારૈયાના પરિવારજનોને સમજાવવા અને મૃતદેહ સ્વીકારવા પ્રયત્નો કર્યા હતા પરંતુ પરિવારજનોએ બે દિવસ સુધી મૃતદેહને સ્વીકાર ન કરાતા પોલીસે તળાજા રેફરલ હોસ્પિટલમાંથી ભાવનગર સર ટી.ના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને રખાયો હતો બાદ સમાજના આગેવાનો અને સરપંચ દ્વારા પરિવારજનો સાથે વાતચીત કરી પોલીસ તંત્ર દ્વારા થતી કાર્યવાહી પર વિશ્વાસ રાખી બનાવના ત્રીજા દિવસે મૃતદેહને સ્વીકાર કર્યો હતો અને મોડી સાંજે મૃતદેહને દિહોર ગામે લઈ જઈ સમાજના આગેવાનો, ગ્રામજનોની હાજરીમાં અંતિમ વિધિ કરાઈ હતી. તળાજા પોલીસ દ્વારા હત્યાના આરોપી સુંદરજી ધાંધલાને કોર્ટમાં રજૂ કરી તા.૧ર સુધીના રીમાન્ડ મેળવ્યા છે. પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને શકમંદોની પણ પૂછપરછ કરાઈ હતી પણ પોલીસ દ્વારા હજુ સુધી પૂછપરછમાં કશુ જાણવા મળ્યું ન હતું.