તા.૨૩મી  મે બાદ વિજય રૂપાણી મંત્રીમંડળમાં મોટા બદલાવના સંકેત

789

રાજ્યમાં લોકસભાની ચૂંટણી બાદ સત્તાધારી પક્ષ ભાજપના સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો તોળાઇ રહ્યા છે. રાજ્ય સરકારમાંથી કેટલાક મંત્રીઓને પડતા મૂકાશે, તો કેટલાક નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. તો સાથે જ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફારો જોવા મળશે. ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સ્થાન મળ્યા બાદ ભાજપના મજબૂત ચહેરાઓને પણ મંત્રીમંડળમાં જગ્યા મળે તે માટે માંગણી ઉઠી હતી. જેને લઇને ચૂંટણી પરિણામો બાદ નિર્ણય લેવાશે.રાજ્યની રૂપાણી સરકાર સામે સ્થાનિક પડકારો બાદ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મહત્વના હોદ્દા મળ્યા હતા. તેને લઈને ભાજપના અનેક ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી હતી. એક તરફ મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો જોવાઇ રહી છે, તો બીજી તરફ ભાજપના સંગઠનની મુદ્દત ડિસેમ્બર ૨૦૧૮માં પૂર્ણ થઈ રહી છે. ત્યારે તેમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. લોકસભા ચૂંટણીને કારણે ભાજપ સંગઠનની નિયુક્તિઓને પાછી ઠેલાઇ હતી. પણ હવે ચૂંટણી પરિણામોની રાહ જોવાઈ રહી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવા સંજોગોમાં નવા પ્રદેશ પ્રમુખ અને તેમની નવી ટીમ સંગઠનમાં જોવા મળી શકે છે.

જોકે આ તમામ ફેરફારો ૨૩ મી મેએ આવનારા ચૂંટણી પરિણામો બાદ જોવા મળશે. જેમાં નેતાઓની ચૂંટણીમાં નિષ્ક્રિયતા અને જિલ્લાવાર ભાજપને મળેલા મતોના આધારે નિર્ણય લેવાશે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણી બાદ જે-તે જિલ્લામાં ભાજપની સ્થિતિમાં સુધારા કે નુકસાનના આધારે તમામ નિર્ણયો લેવાશે.

Previous articleગુજરાતમાં ગરમીનું પ્રમાણ અકબંધ : પારો ૪૨થી ઉપર
Next articleરાહુલ સામે મુશ્કેલી : હવે સુરતની કોર્ટ દ્વારા સમન્સ