જુલાઈમાં રૂપાણી સરકારની કસોટી, ચોમાસુ સત્રમાં પાણી, દલિત અને ખાતરના પ્રશ્ન પડકારરૂપ બનશે

588

આગામી જુલાઈ મહિનામાં ફરી એકવાર રૂપાણી સરકારની કસોટી થશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર જુલાઈ મળી રહ્યું છે, ત્યારે આ સત્રમાં રૂપાણી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. જેથી ૨૧ દિવસ સુધી ચાલનારા આ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા નવી યોજનાઓ, નીતિઓ અને જોગવાઈઓ સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. બજેટની સાથે સાથે આ સત્રમાં રૂપાણી સરકારની પણ અગ્નિ પરીક્ષા થશે. આ દરમિયાન મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ રૂપાણી સરકારને પાણી, ખાતર અને દલિતોના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત સરકારે ફેબ્રુઆરી માસમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરીને આગામી છ મહિનાના ખર્ચાની જોગવાઈ પસાર કરી હતી. સામાન્ય રીતે વિધાનસભાનું સત્ર ૬ મહિને બોલાવવામાં આવે છે, જેની જોગવાઈ અનુસાર આગામી જુલાઈ મહિનામાં વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. જેના માટેની તૈયારી નાણાં વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

નાણાં વિભાગે શરૂ કરેલી તૈયારીના ભાગરૂપે બજેટ માટેના ૬૪થી વધુ બજેટ પ્રકાશનો તૈયાર કરવામાં આવ્યા છે અને ઓગસ્ટ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ સુધીના ખર્ચ માટેનું ફેરફાર કરેલું બજેટ રજૂ થશે. અગાઉ લેખાનુદાન સમયે બજેટનું કદ ૧.૯૧ લાખ કરોડ નક્કી કર્યું હતું. જેમાંથી ચાર મહિનાના ખર્ચ પેટે રૂ.૬૩૯.૩૯ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે જુલાઈમાં રજૂ થનારા બજેટમાં સુધારેલા અંદાજ મુજબ, બજેટનું કદ ૧.૯૧ લાખ કરોડથી વધીને ૨ લાખ કરોડ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે.

Previous articleઅમદાવાદ RTOએ ૮ મોટર ડ્રાઈવિંગ સ્કૂલોના લાયસન્સ રદ કર્યા
Next articleએપ્રિલમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક ૩.૧૮થી ઘટી ૩.૦૭ ટકા નોંધાયો