પદ્માવતનો વિરોધ, ચક્કાજામ, ટાયરો બાળ્યા

639
bvn2012018-12.jpg

ભાવનગર શહેર તથા જિલ્લામાં ક્ષત્રિય-રાજપૂત સમાજ દ્વારા ફિલ્મ પદ્માવતનો લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે સુપ્રિમ કોર્ટે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી તરફી ચુકાદો આપી દેશભરમાં ફિલ્મ રીલીઝ કરવા મંજુરી આપતા કરણી સેના દ્વારા આ ચુકાદાનો ભારે વિરોધ કરી ફિલ્મ પ્રદર્શિત થતી અટકાવવા ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. જે અન્વયે ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કરણી સેના દ્વારા જાહેર માર્ગ પર ઉતરી ટ્રાફિક યાતાયાત અટકાવી રોડ પર ટાયરોનું દહન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજના સુમારે શહેરના પ્રવેશદ્વાર નારી ચોકડી પાસે મોટીસંખ્યામાં કરણી સેનાના કાર્યકરોએ રોડ પર ઉતરી ભાવનગર-ધરમપુર રૂટની એસ.ટી. બસને અટકાવી મુસાફરોને ઉતારી બસના કાચ ફોડ્યા હતા. આ ઉપરાંત રીક્ષા સહિતના ખાનગી વાહનોમાં તોડફોડ કરી ટાયરો સળગાવ્યા હતા. આ ઉપરાંત ભાવનગર-ઘોઘા રોડ પર પણ ટોળાએ ટ્રાફીકજામ કર્યો હતો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તથા બુધેલ ગામ પાસે આવેલ મામસા ચોકડી ખાતે ટોળાએ રોડ પર ઝરડા, પથ્થરો મુકી વાહન વ્યવહાર ખોરવી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ વિરોધ પ્રદર્શન સાથોસાથ જિલ્લાના પાલીતાણા, સિહોર સહિતના તાલુકાઓમાં પણ ફિલ્મ પ્રદર્શનને લઈને વિવાદનો મધપૂડો પૂનઃ છંછેડાયો છે અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. આ અંગે કરણી સેના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જો શહેર-જિલ્લામાં ક્યાય પણ થિયેટરોમાં ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. તો પરિણામ સારૂ નહીં હોય અમે કોઈ પણ ભોગે ફિલ્મ રીલીઝ થતી અટકાવીશું. શહેર-જિલ્લામાં થયેલ વિરોધ પ્રદર્શનો તથા ટ્રાફીકજામને લઈને કરણી સેનાના કાર્યકરો વિરૂધ્ધ ફરિયાદો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવી ઘટનાઓના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.