ગાંધીનગર જે.એમ.ચૌધરી સાર્વજનિક કન્યા વિધાલય ખાતે ગાંધીનગર સંકુલના સ્થાપક તથા મુખ્ય દાતા સ્વ. શેઠ જીવણભાઇ એમ.ચૌધરીની ૧૮મી પૂણ્યતિથિ અને ભક્તિ વંદના કાર્યક્રમમાં ધોરણ-૧૨ પછી વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી વિધાર્થીઓને પ્રત્યેકને રૂ. ૧૦ હજારની શિષ્યવૃત્તિના ચેકો પાણી પુરવઠા અને સિંચાઇ રાજય મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરી સમાજના વિકાસ માટે અને ખાસ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કરનાર મુખ્ય દાતા શેઠ જીવણભાઇ ચૌધરીની ભૂમિકા અને તેમના નોંધપાત્ર યોગદાનથી સમાજમાં શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. સમાજના વિકાસ માટે સમાજના દાતાઓ અને અગ્રણીઓએ ચિંધેલો માર્ગ અપનાવી આજના યુવાનો વિકાસ માટે નવા ક્ષેત્રો અને ઉંચા લક્ષ્યાંકો રાખી પ્રગતિ કરે તેવી અપીલ કરી હતી. ગાંધીનગરની આ કન્યા છાત્રાલયમાં આજે ૧૧૦૦ જેટલી દીકરીઓ હોસ્ટલમાં રહે છે. અને ૭ હજાર જેટલી કન્યાઓ શિક્ષણ મેળવે છે. શિક્ષણ હબ તરીકે પ્રસ્થાપિત થયેલ ગાંધીનગરમાં બનાસકાંઠા જેવા છેવાડાના જિલ્લામાંથી ૫૦૦થી વધુ દીકરીઓને ગાંધીનગરમાં રહેવા સાથેની શિક્ષણ સુવિધા પ્રાપ્ત થઇ છે.
આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલ અને દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભુરિયાએ જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષણની સાથોસાથ યુવા પેઢીમાં સંસ્કારયુક્ત અને વ્યસન મુક્ત યુવાપેઢીનું નિર્માણ થાય તે ખૂબ જ જરૂરી છે. મુખ્ય દાતાની પૂણ્યતિથિ અને ભક્તિ વંદનાના આ પ્રકારના કાર્યક્રમો સમાજના વિકાસને ઓકિસજન પુરું પાડે છે. આ દ્વારા સમાજને નવી પ્રરેણા મળે છે.
સમારંભના અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ હરિભાઇ વી. ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્વ. શેઠ જીવણભાઇ એમ. ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટમાં રૂપિયા ૧ કરોડથી વધુ માતબર રકમના ફંડની વ્યાજની આવક માંથી મેડિકલ, એન્જીનયરિંગ, ફાર્મસી, જેવા ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૧૦ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ ટ્રસ્ટ દ્વારા ૯૦૦થી વધુ વિધાર્થીઓને રૂપિયા ૯૦ લાખની શિષ્યવૃત્તિ ઉચ્ચ અભ્યાસ માટે આપવામાં આવી છે. ટ્રસ્ટના મંત્રી શંકરભાઇ ચૌઘરીએ સ્વાગત પ્રવચનમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, ગાંધીનગરની શૈક્ષણિક પ્રવૃત્તિઓ ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
Home Uncategorized ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા તેજસ્વી વિધાર્થીઓને રૂપિયા ૬ લાખની શિષ્યવૃત્તિના ચેકોનું વિતરણ...