રૂપાણી ધારાસભ્ય કગથરાના પુત્રની અંતિમયાત્રામાં હાજર

717

પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલની આજે અંતિમયાત્રા નીકળી હતી. લલિત કગથરાના નિવાસસ્થાનેથી નીકળેલી પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગઈકાલે પશ્વિમ બંગાળમાં દિવ્યાંગ બાળકોને પ્રવાસે લઇ ગયા હતા ત્યારે લલિત કગથરાના પુત્રોને ત્યાં અકસ્માત નડ્‌યો હતો. તેમની વોલ્વો લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં લલિત કગથરાના મોટા પુત્ર વિશાલનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો. આ દુઃખદ પ્રસંગના કારણે કગથરા પરિવારમાં શોકનો માતમ પથરાઇ ગયો હતો. દરમ્યાન આજે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના નિવાસસ્થાનેથી પુત્ર વિશાલની અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ શોક પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારે દુઃખ સાથે જણાવ્યું હતું કે, આ સમાચાર ન માની શકાય તેવા હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ખૂબ જ દુઃખદ બનાવ છે. કોઇને ત્યાં ભગવાન આ પ્રકારનું દુઃખ ન આપે. નાની ઉંમર અને ઓચિંતું અકસ્માતમાં મૃત્યુ આ દુઃખની કલ્પના કરવી પણ અઘરી છે. તેમણે ઉમેર્યું કે, લલિતભાઇ અને ઇલાબહેન પર દુઃખના વાદળો તૂટી પડ્‌યા હોય તેવી ઘટના છે. લલિતભાઇ અને ઇલાબહેન સાથે મારા જૂના અને પારિવારીક સંબંધો છે. હું મેયર હતો ત્યારે ઇલાબહેન ભાજપના કોર્પોરેટર હતા. મારા તો પાડોશી છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. અંતિમ યાત્રા દરમ્યાન માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો તેમ જ મિત્રવર્તુળમાં રોકકળ અને ઘેરા આઘાતના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Previous articleરાજ્યમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી
Next articleગુજરાતમાં ભાજપને ૨૩ બેઠક મળવા માટે અંદાજ