એમ.પી. શાહ મેડિકલ કોલેજ વિવાદમાં સપડાઈ, ફરી એકવાર રેગિંગની ઘટનાથી ખળભળાટ

591

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ રેગિંગની ઘટનાને લઈને વારંવાર વિવાદમાં સપડાઇ રહી છે. ત્યારે જામનગરમાં જ રહેતા અને મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તથા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા અને સ્કોલરશિપમાં અભ્યાસ કરતા પાર્થ રાઠોડ સાથે રેગિંગ થયું છે. ચોથા વર્ષમાં અભ્યાસ કરતાં સિનિયર ત્રણથી ચાર વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા પાર્થના રૂમને તાળું મારી દેવાયું હતું. તથા તેનો સામાન બહાર ફેંકી દઇ ઢોર માર માર્યો હતો. આખરે રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે.

આ ઘટનામાં હદ તો ત્યારે વધી કે, મેડિકલ કોલેજ હોસ્ટેલનું કેમ્પસ છોડીને પાર્થ ઘરે હતો ત્યારે પણ તેને ધમકી ભર્યા ફોન સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરાયા હતા. રેગિંગની ઘટનાથી ભયભીત બનેલા પાર્થે હાલ મીડિયા સમક્ષ આવવાનો ઇન્કાર કર્યો છે અને જિલ્લા પોલીસ વડા પાસે રક્ષણ પણ માંગ્યું છે. સમગ્ર ઘટનાની એન્ટી રેગિંગ કમિટી પાસે તપાસની માંગ કરી છે.

વિદ્યાથીઓ વચ્ચે મારામારીની ઘટના બની હોવાનું ડીન નંદીની દેસાઈએ નકાર્યું હતું. તેમણે કહ્યું કે, રેગિંગ થયું છે કે નહીં તે તપાસનો વિષય છે. હાલ પૂરતું ઘટના બની છે તેને સમર્થન અપાયું હતું પરંતુ રેગિંગ થયું છે તેને સમર્થન ડીન દ્વારા ન આપ્યું. મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્કવોડને તપાસ સોંપી દેવામાં આવી છે.

Previous articleઆજે પર્યાવરણ દિવસઃ પ્લાસ્ટિકની વસ્તુઓનાં વપરાશ પર પ્રતિબંધ મૂકાયો
Next articleવેરાવળમાં કેટીએમ દ્વારા રોમાંચક સ્ટંટ શો યોજાયો