વડોદરામાં ડ્રગ્સ કૌભાંડ : ૩ની ધરપકડ

771
guj29-1-2018-2.jpg

વડોદરા એસઓજીના અધિકારીઓએ આજે એક મહત્વના ઓપરેશનમાં વડોદરામાં અટલાદરા વિસ્તારમાંથી યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવતાં એક ખતરનાક ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ હતી કે, આ કૌભાડમાં અટલાદરા વિસ્તારના પોશ એરિયામાં રહેતો પાઠક પરિવાર પોતે જ સંડોવાયેલો હતો અને પોલીસે આ ડ્રગ્સ કૌભાંડમાં માતા-પુત્ર અને પૂત્રવધુની ધરપકડ કરી લીધી છે.  પોલીસે આરોપીઓ પાસેથી પેન્ટાઝોસીન લેકટેટ(ફોર્ટવીન) ડ્રગ્સના ૭૨૦ ઇન્જેક્શન જપ્ત કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ કૌભાંડનો રેલો ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ સુધી પહોંચ્યો હોવાની વિગતો સામે આવી છે, તેથી પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરામાંથી સૌપ્રથમવાર આવું ડ્રગ્સ કૌભાંડ પકડાતા રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગેની વિગત એવી છે કે, વડોદરા એસઓજીને અટલાદરા વિસ્તારમાં રહેતો એક પરિવાર ડ્‌ગ્સના ઇન્જેકશનની હેરાફેરી કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેલ્વે સ્ટેશનની આસપાસ ગુપ્ત વોચ ગોઠવી હતી અને એ વખતે પોલીસના ધાર્યા મુજબ ત્યાં આવેલા માતા-પુત્ર અને પૂત્રવધુને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી  પેન્ટાઝોસીન લેકટેટ(ફોર્ટવીન) ડ્રગ્સના ૭૨૦ ઇન્જેકશનો જપ્ત કર્યા હતા. આટલી મોટી સંખ્યામાં ડ્રગ્સના ઇન્જેકશનનો જથ્થો જોઇ ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, માતા-પુત્ર અને પૂત્રવધુ વડોદરા શહેરમાં યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવતા હતા  અને તેઓને આ ડ્રગ્સ ઇન્જેકશન પૂરા પાડતા હતા. પોલીસે વડોદરાના અટલાદરા વિસ્તારમાં કેનાલ રોડ પર આવેલી રોઝવેલ વાટિકાના મકાન નંબર-૫૮ ખાતે રહેતા માતા નયનાબહેન પાઠક, પુત્ર સમર્થ પાઠક અને પૂત્રવધુ મોનાલી પાઠકની ધરપકડ કરી લીધી હતી.
પોલીસની પૂછપરછમાં એવો ખુલાસો પણ થયો હતો કે, આ ડ્રગ્સના ઇન્જેકશન લેવા માટે નયનાબહેન જાતે જ ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જતા હતા અને ત્યાંથી ઇન્જેકશન લઇને ટ્રેનમાં આવતા હતા. આ માહિતીના આધારે પોલીસે એક ટીમ ઉત્તરપ્રદેશ પણ તપાસ અર્થે રવાના કરી છે. તપાસમાં આરોપી પુત્ર સમર્થ પાઠક ખુદ પણ ડ્રગ્સ એડિક્ટ હોવાનું સામે આવ્યું છે, જો કે, તે અંગે પોલીસ ખરાઇ અને તપાસ ચલાવી રહી છે. જો કે, વડોદરા શહેરમાં ઝડપાયેલા આ ડ્રગ્સ કૌેભાંડને પગલે સમગ્ર રાજયમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. 

Previous article ચોટીલા પાસે યુવાનની સળગતી લાશ મળતાં ચકચાર
Next article જી.ઈ.સી.એસ. ક્રિકેટ ટુર્નામેન્ટ