વિશ્વ યોગ દિવસની ઉજવણી ગાંધીનગર જિલ્લાના ૧૩૬૦થી વધુ સ્થળોએ કરાશે

466

સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પાંચમા વિશ્વ યોગની ઉજવણીના સુચારું આયોજન અર્થે આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર  એસ.કે.લાંગાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી. ગાંધીનગર જિલ્લામાં પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી ૧૩૬૦ કરતાં વઘુ સ્થળોએ કરવામાં આવશે. તેમજ ૪ લાખ ૫૦ હજાર કરતા વધુ લોકો સહભાગી બને તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજનની બેઠકમાં જિલ્લા કલેકટર  એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, આજનું જીવન તનાવ ભર્યું બની ગયું છે. માનસિક અને શારિરીક તદુંરસ્તી માટે નિયમિત યોગ કરવો ખૂબ જ જરૂરી છે. સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતું હોય ત્યારે રાજયના પાટનગરમાં સૌથી વધુ લોકો સહભાગી બને તેવું આયોજન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. તે ઉપરાંત યોગ દિવસની ઉજવણી માટે નવીન વિચાર હોય તો પણ અધિકારીઓને રજૂ કરવા પણ જણાવ્યું હતું.

પાંચમા વિશ્વ યોગ દિવસના આયોજનની માહિતી આપતાં જિલ્લા કલેકટર  એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, દરેક તાલુકામાં બે-બે સ્થળો પર, તમામ નગરપાલિકા વિસ્તારમાં બે- બે સ્થળો પર, ગાંધીનગર મહાનગરપાલિકામાં વહીવટી વોર્ડના ૮ કેન્દ્રો પર, ગાંધીનગર જિલ્લાના મુખ્ય મથકે ૫ કેન્દ્રો પર અને ૧૧૪૬ જેટલી સરકારી-ખાનગી પ્રાથમિક – માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, કોલેજોઅને આઇ.ટી.આઇ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમજ જી.આઇ.ડી.સી. એસ્ટેટ, અન્ય એસ્ટેટ, કારખાના, જિલ્લામાં આવેલ ૩૩ દિવ્યાંગોની સંસ્થાઓ અને મધુર ડેરી તથા અન્ય સહકારી મંડળીઓ અને બેંકો ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસના એક સપ્તાહ પહેલા અલગ અલગ સ્થળોએ યોગ શિબીરોનું આયોજન કરવામાં આવશે. ગાંધીનગર શહેરમાં સ્વર્ણિમ પાર્ક, કલ્પતરૂ સેકટર-૨૫, મઘુર ડેરી, આર્ય સમાજ, જીમખાના સેકટર-૨૧, સેકટર-૧ નું તળાવ અને તમામ શાળા-કોલેજો ખાતે યોગ શિબીરનું આયોજન કરાશે. તે ઉપરાંત કલોલમાં હીરા માણેક હાઇસ્કુલ, માણસામાં પદ્યમ હાઇસ્કુલ, દહેગામ ખાતે મ્યુનિસિપલ બોયઝ હાઇસ્કુલઅને ગાંધીનગરની જે.એમ.ચૌધરી તથા સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે યોગ શિબીરનું આયોજન કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણી માટે પતંજલિ યોગ સંસ્થા દ્વારા ૫૫, વી.કેર ફાઉન્ડેશન દ્વારા ૧૨, દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા ૧૩, સમર્પણ ધ્યાન યોગ દ્વારા ૧૫, દિવ્ય જીવન સંધ દ્વારા ૧૨, મોડેલ આયુર્વેદ કોલેજ, કોલવડા દ્વારા ૧૦અને આયુર્વેદ શાખા દ્વારા ૭ મળી કુલ- ૧૨૪ માસ્ટર ટ્રેનર્સ યોગની તાલીમ આપશે.

Previous articleચિલોડામાં અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં આગથી લોકોમાં મચેલી નાસભાગ
Next articleધાનેરાના શેરા ગામની દૂધ સહકારી મંડળીને તાળા લાગ્યા