અમદાવાદના એલિસબ્રિજ પરથી મૃતદેહના સળગેલા અવશેષો મળી આવતા હાહાકાર

401

અમદાવાદ શહેરના એલિસબ્રિજ પર આવેલા માણેકબુર્જની પાસેથી સવારે ૧૧ વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતા.આ અવશેષોને જોતા કોઇ વ્યક્તિની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતદેહના બાકીના અવશેષો શોધવા માટે પોલીસ દ્વારા નદીમાં તેમજ બ્રિજની નીચેના ભાગે તપાસ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યા મુજબ, લાશ ત્રણ-ચાર દિવસ જૂની હોઇ શકે છે. લાશ કોની છે તે અંગે માહિતી મેળવવા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ પોલીસ તપાસમાંથી હાથ અધ્ધર કરવા એક બીજા પોલીસ સ્ટેશનની હદનો વિવાદ કરવામાં આવ્યો હતો, છેવટે ચાર કલાકની હદની બબાલ બાદ ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી થોડે દૂર એક વ્યકિતની સળગેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.

આ મૃતદેહના અવશષો મળતાની સાથે એલિસબ્રિજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ મૃતદેહના બે ટૂકડા મળી આવ્યા હતા.જેમાં નદીના ભાગ તરફથી મળેલા મૃતદેહનો ટૂકડો સળગેલો હતો. જ્યારે મૃતદેહનો અન્ય ટૂકડો માણેકબુર્જ પાસેથી મળી આવ્યો હતો. હજી સુધી મૃતદેહના અન્ય ટૂકડા અને અવશેષો ગુમ હોવાની વાત મળતા નજીકના ચાર પોલીસ સ્ટેશનનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસે તમામ અવશેષો કબજે કરી હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleસ્ટાન્ઝા લિવિંગે વડોદરામાં ૧૫૦૦ બેડની સ્ટુડન્ટ હોસ્ટેલ્સ રજૂ કરીને ગુજરાતમાં પ્રવેશ કર્યો
Next articleટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩લોકોનાં મોત નીપજ્યાં