સૌરાષ્ટ્ર અને કચ્છની તમામ ફ્‌લાઈટો અને ટ્રેનો રદ કરાઇ

673

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા વાયુ વાવાઝોડાના કારણે હવાઈ અને રેલ માર્ગને પણ ગંભીર અસર પહોંચી છે. સુરક્ષાના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ જતી ફ્‌લાઈટોને રદ કરી દેવામાં આવી છે. અમદાવાદથી પોરબંદર, દીવ, કંડલા, મુંદ્રા અને ભાવનગર જતી તમામ ફ્‌લાઈટોને આવતીકાલ માટે કેન્સલ કરી દેવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી ટ્રેનોને પણ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોના સ્થળાંતર માટે અને રાહતસામગ્રી અને જરૂરી મશીનરી પહોંચાડવા માટે પણ ખાસ ટ્રેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.વાવાઝોડાની તીવ્રતાને જોઇને સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૯ જેટલી ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ટ્રેન મુસાફરો માટે વિવિધ સલામતી અને સલામતીની સાવચેતી પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભુજ અને ગાંધીધામ તરફની તમામ પેસેન્જર અને મેઈલ-એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેન્સલ કરવામાં આવેલી ટ્રેનોમાં ૫૨૯૩૩ વેરાવળ-અમરેલી, ૫૨૯૪૯ વેરાવળ-દેલવાડા, ૫૨૯૩૦ અમરેલી-વેરાવળ, ૫૨૯૫૧ દેલવાડા-જૂનાગઢ, ૫૨૯૫૬ જૂનાગઢ- દેલવાડા, ૫૨૯૫૫ અમરેલી-જૂનાગઢ, ૫૨૯૫૨ જૂનાગઢ-દેલવાડા, ૫૨૯૪૬ અમરેલી-વેરાવળ, ૫૨૯૨૯ વેરાવળ-અમરેલી, ૫૨૯૫૦ દેલવાડા-વેરાવળ સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે.  વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ૬થી ૧૦ કોચ ધરાવતી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને એક સલામત સ્થાન પર રાખવામાં આવશે. જે તાત્કાલિક સ્થળાંતર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.  ગાંધીધામ, ભાવનગર પારા, પોરબંદર, વેરાવળ, ઓખામાં એક ખાસ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો ઉપયોગ જેસીબી, ટ્રેક્ટર, વોટર ટાંકીઓ જેવી જરૂરી મશીનરી, રાહતકર્મીઓ અને અન્ય સામગ્રી પહોંચડાવા માટે કરવામાં આવશે, જે અંગેની સૂચના રેલવે અધિકારીઓને આપી દેવામાં આવી છે.

Previous articleક્યાં કેટલી એનડીઆરએફની ટીમ તહેનાત રહેશે
Next article‘વાયુ’ વાવાઝોડાનું સંકટ : રાજ્યમાં અંદાજે ત્રણ લાખ લોકોનું સ્થળાંતર