રાજ્ય સહિત દેશભરમાં રોડ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જાય છે. જેમ જેમ રસ્તા પર વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ રોડ અકસ્માતની ઘટનામાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. વાહન ચાલકની એક નાની સરખી બેદરકારી મોતનું કારણ બની જાય છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના અંબાજી હડાદ રોડ પર સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી હડાદ રોડ પર એક બાઈક પર ત્રણ લોકો સવાર થઈ જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી રફૂચક્કર થઈ ગયો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે.
અકસ્માતની ઘટનાની જાણ અન્ય રાહદારીઓએ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણે લોકોના મોત થઈ ચુક્યા હતા. પોલીસે અકસ્માતની ઘટના કેવી રીતે થઈ તે જાણવાની કોશિસ કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મરનાર ત્રણે વ્યક્તિ બાવળ કાઠીયા ગામના રહેવાસી છે. અકસ્માતમાં મોતને ભેટવામાં એક મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. અકસ્માત અંબાજી હળાદ રોડ પર બામણોજ ગામ પાસે સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે, અંબાજી હળાદ રોડ પર હમણાં જ થોડા દિવસ પહેલા જ ટાયર પંચર થતા એક જીપ ડાલુ પલટી મારી ગયું હતું. જેમાં ૯ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.


















