સરદારનગરમાં મહાપાલિકા દ્વારા ડીમોલેશન

790
bvn622018-8.jpg

ભાવનગર મહાપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા સરદારનગર-માલધારી સોસાયટીમાં રોડ-રસ્તા-પુલના નિર્માણ કાર્યમાં બાધારૂપ દબાણો પર બુલડોઝર ફેરવી ગેરકાયદે ખડકાયેલ બાંધકામો દુર કર્યા હતા.
શહેરના સરદારનગર તથા માલધારી સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી અનઅધિકૃત દબાણોનો રાફડો ફાટ્યો હતો. અનેક આસામીઓએ તંત્રની જમીનો પર કાચા-પાકા મકાનો, દુકાનો બનાવી જમીનો પર કબ્જો જમાવ્યો હતો. જેઓને અધિકારી પંડિતે નોટીસો પાઠવી દબાણો દુર કરવા ચેતવણી આપી હતી. આમ છતાં આસામીઓએ દબાણો દુર ન કરતા મહાપાલિકાના દબાણ હટાવ સેલ, જેસીબી તથા પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ સ્થળે પહોંચી ૧પ થી વધુ મકાનો તથા અન્ય અનઅધિકૃત રીતે વાળેલ કબ્જાઓ દુર કરી જગ્યા ખુલ્લી કરી હતી. માલધારી સોસાયટી નજીક નવા પુલ પાસે તથા નર્મદા વસાહત પાછળ રોડને દબાવી બાંધકામો કરવામાં આવ્યા હતા. આ પ૦ ફુટના રોડને પહોળો કરવા માટે દબાણો બાધારૂપ હતા. આ વિસ્તારમાં કેટલાક આસામીઓએ તારફેન્સીંગ તથા દિવાલો ચણી પશુઓ રાખવા તબેલા પણ બનાવ્યા હતા. તંત્રએ પશુઓને દુર કરી સમગ્ર બાંધકામ તોડી પાડ્યું હતું. દબાણ દુર કરવા સમયે કેટલાક આસામીઓએ રાજકિય વગના જોરે દબાણ દુર થતું અટકાવવા પ્રયાસો પણ કર્યા હતા પરંતુ તંત્રએ કોઈ મચક આપી ન હતી.

Previous articleતિલકનગર દેવીપુજક વાસમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો
Next articleરક્તદાન કેમ્પ યોજાયો