સીનેમેકસમાં તોડફોડ કરનાર ઝડપાયા

643
gandhi6-2-2018-2.jpg

ગાંધીનગર સિનેમેક્સ થિયેટરમાં તોડફોડ કરનાર સાત જેટલા બુકાનીધારી શખસો સામે આજરોજ થિયેટર મેનેજરે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ શખસોએ પુર્વઆયોજિત પ્લાન ઘડીને થિયેટરમાં તોડફોડ કરી જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે શખસોની ઓળખ મેળવવા માટે સીસીટીવી કેમેરા ચેક કરવાની કાર્યવાહી હાથધરી હતી. જોકે, આ લખાઇ રહ્યુ છે ત્યારે ઘટનાના બીજા દિવસે કોઇની ઓળખ પ્રસ્થાપિત થઇ શકી નથી.
સેક્ટર-૧૧ સ્થિત સિનેમેક્સ થિયેટરમાં ગઇકાલે રાત્રે કેટલાક શખસો મોંડે રૂમાલ બાંધીને ઘુસી આવ્યા હતા. આ શખસોએ થિયેટરમાં ઘુસી સીધા જ બોક્સ ઓફિસ પર ધોકા વડે તુટી પડયા હતા. આ સમયે બોક્સ ઓફિસમાં થિયેટરનો સ્ટાફ પણ હાજર હતો. તેઓ કાંઇ સમજે તે પુર્વે એક શખસે જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ બનાવથી નાસાભાગ મચી ગઇ હતી. સદભાગ્યે કોઇને ઇજા પહોંચી નહતી. બીજીતરફ સેક્ટર-૭ પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે નાશી છુટેલા શખસોને ઝડપી લેવા માટે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. 
પ્રાથમિક તપાસમાં ત્રણ શખસો હોવાનું જણાયુ હતું. પરંતુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા સાત શખસોએ આ બનાવને અંજામ આપ્યો હોવાનું ખુલ્યુ હતુ. હાલ ફિલ્મ પદ્માવતનો વિરોધ શાંત પડયો છે ત્યારે જ કોઇ તત્વોએ શાંતિનો પ્રયાસ ડહોળવાના ઇરાદે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા છે. સીસીટીવી કેમેરામાં જે રીતે તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે તે જોતા શખસોએ સમગ્ર ઘટનાને અંજામ આપતા પુર્વે પ્રિ-પ્લાન ઘડયો હતો. થિયેટરમાં બોક્સ ઓફિસ પાસે ધસી આવેલા શખસોએ પહેલેથી જ ઓળખ છુપાવવા માટે મોંઢે બુકાની બાંધી રાખી હતી. આ મામલે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. 
પરંતુ તોડફોડ કરનાર શખસોની ઓળખ પ્રસ્થાપિત થઇ શકી નથી. બીજીતરફ થિયેટરના મેનેજરે સૌરભ ઝાએ આ મામલે અજાણ્યા સાત શખસો સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૦૮, ૪૨૭, ૪૩૫ તથા જીપીએક્ટ -૧૩૫ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.