જાપાનના વડાપ્રધાનનું ગાંધીનગરમાં ભવ્ય સ્વાગત કરાયું

919
gandhi1582017-6.jpg

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવતા જાપાનના વડાપ્રધાનનું આખાય રસ્તા પર સાંસ્કૃતિક કાર્યક્રમો અને શાળાના બાળકોના અભિવાદન દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. એરપોર્ટથી કોબા રોડ ઉપર જુદી જુદી જગ્યાએ સ્ટેજ તેમજ શાળાના બાળકોને ઝંડા પકડાવી બેસાડી દેવામાં આવ્યા હતાં. આખાયે માર્ગનું મોનીટરીંગ તેમજ સુચનાઓ આપતા ગાંધીનગર કલેકટર સવારથી જ જોવા મળ્યા હતા. જુદા જુદા સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રાસ-ગરબા વગેરે કલાકારોએ રજુ કર્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓએ સવારના ૯.૦૦ વાગ્યાથી બેસીને ફલેગ દ્વારા અભિવાદન કર્યું હતું. 
સમગ્ર ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. 
સમગ્ર રાજયના જુદા જુદા જિલ્લાની પોલીસ બોલાવી ઠેર ઠેર તૈનાત કરવામાં આવી હતી. નગરમાં પોલીસ, ઝંડા અને બેનરો જ નજરે ચડતા હતા. શાળાનો અભ્યાસ અધૂરો મુકીને આવેલા બાળકોએ ભાદરવાનો સખત તાપ સહન કરીને પણ ફલેગ ફરકાવી સ્વાગત કરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. જો કે ભાદરવાના તીખા તડકાએ વિદ્યાર્થીઓની હાલત દયનીય બનાવી દીધી હતી. 
રસ્તાની બંન્ને બાજુએ ગાંધીનગરની જુદી જુદી શાળાઓ મોટાભાગે ગ્રાન્ટેડ શાળાઓના બાળકોને ફરજીયાત સ્વાગત માટે બોલાવવામાં આવ્યા હોવાની ચર્ચા જોવા મળી હતી.