શહેરમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદી છાંટાને પગલે તાપમાન ગગડયું

1415
gandhi7-2-2018-5.jpg

રવિવારની સાંજથી આકાશમાં વાદળ દેખાયા બાદ સોમવારે સવારે આકાશ વાદળોથી ઘેરાઇ ગયુ હતું અને સવારે ૭ વાગ્યાના અરસામાં નગરના વિવિધ વિસ્તારમાં છાંટા પડ્‌યા હતાં. સવારે ૯ વાગ્યા સુધી તો આકાશનું ચિત્ર જાણે કમોસમી માવઠું વરસી જાય તેવું જ રહ્યુ હતું. પરંતુ આખરે સુર્ય નારાયણના દર્શન થઇ ગયા હતાં. પરંતુ વાતાવરણમાં આવેલા આવા કમોસમી ફેર બદલાવના કારણે સાંજે ૬ વાગ્યાના અરસામાં ફરીથી છાંટા પડ્‌યા હતાં.
દિવસનું તાપમાન ૩ ડિગ્રીથી વધારે ઘટી જવાથી સાંજ ઢળવાની સાથે ઠંડીનો અનુભવ શરૂ થયો હતો. જો કે પાછળા દિવસોમાં દિવસના તાપમાનમાં થતા રહેલા સતત વધારાના કારણે સોમવારની રાતનું લઘુત્તમ તાપમાન વધીને ૧૬ પર પહોંચી ગયું હતું. પરંતુ હવે નવેસરથી ઠંડીનો ચમકારો શરૂ થઇ શકે તેવા નિર્દેશ હવામાન તંત્રએ આપ્યા હતાં.
રવિવારની રાત્રે  ૧૩ ડિગ્રી લઘુત્તમ તાપમાનની સામે સોમવારની રાત્રે ૧૬ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતું. મતલબ કે રાતના તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થઇ ગયો હતો. હવે વાદળો વિખેરાવાની સાથે ઠંડીનો ચમકારો નવેસરથી અનુભવાશે. દિવસનું તાપમાન રવિવારે ૩૧.૮ડિગ્રી નોંધાયું હતું. તે વાદળ છાયુ વાતાવરણ રહેવાના કારણે સોમવારે ઘટીને ૨૮. ૫ ડિગ્રી પર આવી ગયુ હતું.
સોમવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૬૯ ટકા પર આવી ગયુ હતું. સાંજે ઘટીને ૪૮ ટકા પર આવી જતાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા નકારવામાં આવી હતી. પરંતુ ઠંડીના પ્રમાણમાં વધારો જોવાશે. કેમ કે હિમાચલ પ્રદેશમાં ફરીવાર બરફ વર્ષા થઇ ચૂકી હોવાથી ઠંડા ઉતરિય પવનો અહીં સુધી પહોંચશે.
વાતાવરણમાં ભેજ વધવાથી પડેલા છાંટા સાવ સામાન્ય હોવાથી ખેતરમાં ઉભેલા કોઇપણ પાક માટે ચિંતાનો વિષય જરા પણ કહી શકાશે નહીં. પરંતુ જો માવઠા જેવો વરસાદ હવે પવન ફૂંકાવાની સાથે પડે તો ઝાકળની સ્થિતિ વચ્ચે જીરૂ અને રાયડાના પાક માટે ચિંતાનો વિષય બની શકે છે.