ચારધામની યાત્રાએ ગયેલા ૩ મિત્રો ગંગામાં ડૂબી ગયા.

461

સુરતના વાડીફળિયામાં રહેતા ૧૫ યુવાનો તા.૧૮મી જૂનના રોજ ચાર ધામની ૧૮ જુનના રોજ ચારધામની યાત્રાએ ગયા હતાં. જેઓ ગઇકાલે શુક્રવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ ઋષિકેશ-બદરીનાથ હાઈ વે પર શિવપુરી પાસે ગંગા નદીમાં ત્રણ યુવકો ડૂબી ગયા હતાં. જેમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બીજા બે યુવકોની શોધખોળ ચાલુ છે. આ દુઃખદ સમાચારને પગલે સુરતવાસીઓમાં શોકની લાગણી પ્રસરી છે તો, બીજીબાજુ, ગુજરાત રાજયનું સરકારી તંત્ર પણ યુવકોની ભાળ મેળવવા દોડતુ થયુ હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ૧૫ યુવાનો ઉત્તરાખંડની યાત્રાએ ગયા હતાં. શુક્રવારે સાંજે ચાર વાગ્યે આ ગ્રુપમાંથી ત્રણ યુવાનો ગંગા નદીમાં ન્હાવા માટે ગયા હતા. જે દરમ્યાન ફેનીલ ઠક્કર નામનો યુવાન ડૂબવા લાગ્યો હતો. તેની સાથે પાણીમાં ઉતરેલા કૃણાલ કોસાડી અને જેનિશ પટેલ નામના બે મિત્રોએ ફેનિલને બચાવવાની કોશિશ કરી, પરંતુ ફેનિલ ગંગાની ધારામાં વહી જતાં બચાવી શકાયો નહીં. તેને બચાવવાની પ્રયાસમાં કૃણાલ અને જેનિશ પણ ડૂબી જતાં ત્રણેયના મોત થયા હતા. આ અંગે ધારાસભ્ય હર્ષ સંઘવીને જાણ થતાં તેમણે વાડીફળિયામાં તેમના પરિવારજનોને જાણ કરી હતી.

તેની સાથે સ્થાનિક ધારાસભ્ય વિનોદ કંડેરીને ફોન કરતાં તેમણે પોલીસ અને એનડીઆરએફની ટીમ મોકલતા ફેનિલનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે સૂરજ ટોકીઝ પાસે રહેતા કૃણાલ કોસાડી અને અંબાજી રોડ પર રહેતા જેનિશ પટેલના મૃતદેહની શોધખોળ હજુ એનડીઆરએફની ટીમ ચલાવી રહી છે. આ અંગે સાંસદ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા તમામ મદદ અપાઈ રહી છે. આ ઘટના અંગે ભોગ બનનાર યુવકને બચાવવાની કોશિશ કરનાર પ્રતિક નામના યુવકે જણાવ્યું કે, સાડા ચારથી પાંચની વચ્ચે ઘટના બની હતી. અમે નદીની બહાર જ હતાં. ફેનિલ પાણીમાં ગયો હતો એને બચાવવા માટે હું કૂદયો તો, જેનિશ અને કૃણાલ ક્યાંથી ક્યાં ગયા કંઇ ખબર જ ન પડી. હું ફેનિલને ખેંચવા ગયો. નીચેથી ઉપર મેં ફેનિલને પુશ કર્યો પણ ફેનિલની મારા ખભા પર લાત વાગતાં હું હડસેલાઇ ગયો. હું પણ ૨૫ ફૂટ ઊંડા પાણીમાં ચાલ્યો ગયો. મને તરતા આવડતું હતું એટલે હું તરીને બહાર આવી ગયો. એ સમયે એક છોકરાએ મારો હાથ પકડીને મને બહાર ખેંચ્યો. આ દરમિયાન હું પોતે બચવામાં રહ્યો એમાં ફેનિલનું શું થયું એનો મને ખ્યાલ ન રહ્યો. દોઢ કલાક પછી રેસ્ક્યૂવાળા આવ્યા. અઢી કલાક પછી એમ્બ્યુલન્સ આવી હતી. બીજીબાજુ, આ બનાવને પગલે સુરતવાસીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે તો બીજીબાજુ, સરકારી તંત્ર લાપતા યુવકોની ભાળ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.